પુરુષોની સરખામણીએ મહિલાઓને ૩૪ ટકા ઓછું વળતર અપાય છે
ભારતમાં શ્રમિક વર્ગ માટેની જે તકો છે તે ખુબ જ મોટાપ્રમાણમાં હોવા છતાં કયાંક તેમાં ગુણવતાભર્યા રોજગારનો અભાવ છે. સ્ત્રીઓ અને પુરુષોને અપાતા વળતરની અસમાનતાને લઈ આપણા સમાજમાં પહેલાથી જ છબી છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓને હંમેશા ઓછું વળતર મળતું આવ્યું છે. એક અભ્યાસ મુજબ સામે આવ્યું કે, મજુરી દરમિયાન મહિલાઓને પુરુષો કરતા ૩૪ ટકા ઓછું વળતર ચુકવવામાં આવે છે. ૨૦૧૫માં ૯૨ ટકા મહિલાઓ અને ૮૨ ટકા પુરુષોની માસિક આવક ૧૦ હજારથી પણ ઓછી નોંધાઈ હતી.
સરકાર દ્વારા બેરોજગારીને નાથવા માટે કેટલાક કાર્યક્રમો અને યોજનાઓ કરી છે છતાં કવોલીટી જોબનાં અભાવે રોજગારીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. કારણકે લોકોમાં શિક્ષણના અભાવને લઈ તેઓ કેટલીક વખત છેતરાઈ જતા હોય છે. મજુરો કામ તો કરે છે પરંતુ તેને કોઈપણ જાતની સોશિયલ સિકયોરીટી આપવામાં આવતી નથી. ૨૦૧૫માં કરાયેલા રોજગાર સર્વેમાં સામે આવ્યું હતું કે, ૭૭ ટકા લોકો કાયમી ધોરણે કામે જતા નથી જેની અસર ભારતના આર્થિક તેમજ સામાજિક વિકાસ પર પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ ૫ ટકાથી લઈ ૧૭.૪ ટકા સુધી પહોંચી ચુકયું છે.
આજના સમયમાં લોકો વાઈટ કોલર જોબ શોધી રહ્યા છે પરંતુ લેબર વર્કમાં સૌથી મોટી રોજગારીની તકો રહેલી છે પરંતુ તેમાં પણ ગુણવતાભર્યા રોજગારની અછતની પરિસ્થિતિ સર્જાય છે. મહિલાઓ પુરુષોની ક્ષમતા મુજબનું કામ કરતી હોવા છતાં તેમને તેટલું વળતર મળતું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ભેદભાવ જેવી સમસ્યાઓ થતી હોય છે ત્યારે શ્રમિક વર્ગો માટેની સ્થિતિ કફોડી બની છે. કયાંક તેમને સામાજીક સુરક્ષા તો કયારેક આર્થિક સમસ્યા સર્જાતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં મજુરી કરવાને લઈને પણ વલણ બદલાયું છે ત્યારે શિક્ષણ પઘ્ધતિમાં પણ ફેરફારો કરવાની આવશ્યકતા છે. નેશનલ અચીવમેન્ટ સર્વે મુજબ સામે આવ્યું કે, સરકાર સંચાલિત કેન્દ્રીય વિદ્યાલય વિદ્યાર્થી દીઠ રૂ.૧૭ હજાર વાપરે છે ત્યારે બિનસરકારી શાળાઓ વિદ્યાર્થી દીઠ માત્ર ૩ હજાર રૂપિયા જ વાપરે છે. શિક્ષણ પઘ્ધતિથી લઈ રોજગારી સુધી સિસ્ટમ નિર્માણની આવશ્યકતા છે.