૩૬૬૦ શખ્સો સામે અટકાયતી પગલાની કાર્યવાહી કરી જામીન લેવડાવ્યા, ૪૮ શખ્સોને પાસા અને તડીપાર કરાયા: ૧૬ શખ્સોને હથિયાર સાથે ઝડપી લેવાયા: ફરજ પર ગેર હાજર બે પોલીસમેન દંડાયા

લોકસભાની ચૂંટણી નજીક આવતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવાનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને માથાભારે શખ્સો સામે અટકાયતી પગલા લેવાની અને હાઇ-વે પર ૧૬ જેટલી ચેક પોસ્ટ બનાવી વાહન ચેકીંગ સઘન બનાવવામાં આવ્યું છે.

ચૂંટણી દરમિયાન મોટી રકમની હેરાફેરી થતી હોય છે અને વિદેશી દારૂની રેલમછેલ થતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદેશ સાથે શહેરના જુદા જુદા ૧૬ જેટલા પ્રવેશ દ્વાર સમાન માર્ગ પર પોલીસની ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. ચેકપોસ્ટ પર ૨૪ કલાક વાહન ચેકીંગ કરવાની પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ચેક પોસ્ટમાં ચાર પોલીસ કર્મચારી, આઠ એસઆરપીના જવાન અને ચાર હોમગાર્ડના જવાન ફરજ સોપવામાં આવી છે.

જ્યારે અનેક વખત મારામારી અને દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલા માથાભારે અને બુટલેગરોની પાસા હેઠળ અટકાયત અને તડીપાર કરી ૪૮ જેટલા શખ્સોને શહેરથી દુર કરાયા છે. પોલીસે ઠેર ઠેર દેશી દારૂ અંગે દરોડા પાડી દેશી દારૂ મળવો પણ મુશ્કેલ બનાવી દીધો છે. દેશી અને વિદેશી દારૂ અંગે ૨૧૯ જેટલા કેસ કરી રૂ.૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ૩૬૬૯ જેટલા શખ્સો સામે અટકાયતી પગલા લઇ મામલતદાર પાસે જામીન લેવડાવ્યા છે. પોલીસ દ્વારા કરાતા વાહન ચેકીંગ દરમિયાન છ શખ્સોને છ હથિયાર અને ૧૩ જેટલા કારતુસ કબ્જે કર્યા છે.

શહેરમાં હથિયારનો પરવાનો ધરાવતા ૨૨૩૧ જેટલી વ્યકિતના ૨૨૩૧ ચૂંટણી દરમિયાન જમા લેવામાં આવ્યા છે. પેરામીલ્ટ્રી ફોર્સ દ્વારા સંવેદન અને અતિસંવેદનસીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે ફુટ પેટ્રોલિંગ અને ફલેગ માર્ચ કરવામાં આવી છે. બહુમાળી ભવન પાસે બનાવવામાં આવેલી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પ્રસાંતભાઇ અને કિશોરભાઇ ફરજ પર હાજર ન હોવાથી બંનેની રૂ.૫ હજારનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ સ્ટાફમાં ફફડાટ મચી ગયો છે.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીબી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની અને ડીસીપી ઝોન-૨ના મનોહરસિંહ જાડેજાના માર્ગ દરશિન હેઠળ ચૂંટણીલક્ષી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે.

ચૂંટણી બંદોબસ્તને પોલીસે ડિઝીટલ બનાવવા ખાસ એપ્લીકેશન લોન્ચ કરી

પોલીસ અધિકારીઓને ચૂંટણી લક્ષી અહેવાલ નિયમીત મળી રહે તે માટે અને સંવેદનશીલ અને અતિસંવેદનસીલ વિસ્તારની માહિતી સરળતાથી મળી રહે તે માટે પોલીસ દ્વારા ખાસ પ્રકારની એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. એપ્લીકેશનની મદદથી પોલીસ દ્વારા અટકાયતી પગલા અને દારૂબંધી અંગેની કરેલી કામગીરીની રોજે રોજ માહિતી મળી રહેશે, પોલીસ સ્ટાફને સોપવામાં આવેલી ફરજ સ્થળ પર હાજર હોવા અંગેની ફોટા સાથેની માહિતી એપ્લીકેશનની મદદથી મળી રહેશે. રાજકોટ શહેરના ઝોન, ડિવિઝન અને પોલીસ મથક મુજબ નકશો તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સંવેદનસીલ અને અતિસંવેદનસીલ વિસ્તારને રેડ લાઇન બતાવવામાં આવી છે.

તેવા વિસ્તારોમાં પોલીસનો વધારેનો ફોર્સ મુકી અનિચ્છનીય બનાવ બનતો અટકાવવો સરળ બનશે તેમજ કયાં કયાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે તેની માહિતી પણ એપ્લીકેશનની મદદથી જોઇ શકાશે તેમજ અઘિટીત બનાવ બને તો આપ્લીકેશનમાં ઓનલાઇન રિપોટીંગ જોઇ શકાશે તેવી ડિઝીટલ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને શોધી ચેક કરી તેને મેપ પર ટ્રેક કરી શકાશે તેવી ખાસ પ્રકારની વ્યવસ્થા એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.