જાહેરસભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મોહનભાઈ કુંડારિયા ઉમેદવારી ફોર્મ ભરશે
રાજકોટમાં બહુમાળી ભવન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે આગામી મંગળવારે મુખ્યમંત્રી જાહેર સભા સંબોધવાના છે. આ જાહેરસભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મોહનભાઈ કુંડારિયા રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરશે.
લોકસભાની ચુંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા આગામી મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્ત ૧૨ કલાક અને ૩૯ મિનિટે ઉમેદવારી પત્ર ભરવાના છે. જોકે આ પૂર્વે મુખ્યમંત્રીની જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બહુમાળી ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ભાજપ દ્વારા જાહેર સભા યોજાવાની છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સંબોધન કરવાના છે.
લોકસભાની ચુંટણી સંદર્ભે ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ અંગે વિગત આપતા રાજકોટ લોકસભાના બેઠકના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, હાલ ભાજપ દ્વારા ચુંટણીની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે તા.૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજાવાની છે. આમ મુખ્યમંત્રી દ્વારા રાજકોટ બેઠક માટે પ્રચાર-પ્રસારના શ્રીગણેશ કરવામાં આવનાર છે ત્યારબાદ સાતેય વિધાનસભા બેઠકોના ત્રણ-ત્રણ દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને મોહનભાઈ કુંડારિયાને વિજય બનાવવા માટે હોંશભેર કાર્ય સંભાળશે.
શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલાની ઘરવાપસી
શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલાએ અગાઉ દોઢેક વર્ષ પૂર્વે પોતાના હોદા પરથી રાજીનામું આપ્યું હતું પરંતુ આ રાજીનામું પક્ષ દ્વારા સ્વિકારવામાં આવ્યું ન હતું. રાજીનામાનું કારણ આપતા વિરેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું હતું કે, કૌટુંબિક કારણોસર તેઓએ માત્ર હોદા પરથી રાજીનામું આપ્યું હતું પક્ષ સાથે તેઓ હંમેશા જોડાયેલા હતા અને કાયમ રહેશે. હાલ તેઓ ફરી શહેર ભાજપ ઉપપ્રમુખના હોદા પર કાર્યરત થયા છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, વિરેન્દ્રસિંહ ઝાલા જેવા આગેવાનની પક્ષને હંમેશા જરૂર છે. તેઓએ અગાઉ જે રાજીનામું આપ્યું હતું તે પક્ષે સ્વિકાર્યું ન હતું. તેઓનું રાજીનામું આપવાનું કૌટુંબીક કારણ પણ વ્યાજબી હતી. હાલ તેઓ ફ્રી થતા ફરી શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકેના હોદા ઉપર આરૂઢ થયા છે.