અમરેલી ૪૨.૫ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૨ ડિગ્રી અને રાજકોટ ૪૧.૩ ડિગ્રી સાથે ધગ્યા: હજી હીટવેવની આગાહી

ઉનાળાના આરંભે જ સૌરાષ્ટ્રમાં આકાશ આગ ઓકી રહ્યું છે. સિવિયર હીટવેવની આગાહી વચ્ચે ગઈકાલે અમરેલીમાં તાપમાનનો પારો ૪૨.૫ ડિગ્રીએ પહોંચી જતા જનજીવન આકરા તાપમાં અકળાઈ ઉઠયું હતું. આગામી બે દિવસ હજી હીટવેવની આગાહી આપવામાં આવી છે. રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને ઓળંગી દેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

શિયાળાની સીઝન પૂર્ણ થતાની સાથે જ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચુકયો છે. સામાન્ય રીતે એપ્રિલ અને મે માસમાં આકાશમાંથી અગનવર્ષા થતી હોય છે અને હીટવેવની આગાહી આપવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે માર્ચમાં જ સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી રીતસર અગિન વરસાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં મહાપાલિકા દ્વારા શહેરમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર રહેશે તેવી આગાહી અપાઈ છે.

દરમિયાન ગુરુવારે સૌરાષ્ટ્રના અનેક શહેરો આકરા તાપમાં રિતસર સેકાયા હતા. અમરેલી ૪૨.૫ ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. જયારે સુરેન્દ્રનગરનું તાપમાન ૪૨ ડિગ્રી અને રાજકોટનું તાપમાન ૪૧.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. રાજયની આર્થિક રાજધાની અમદાવાદમાં પણ ગઈકાલનું મહતમ તાપમાન ૪૨ ડિગ્રી નોંધાયું હતું. વેરાવળમાં ગઈકાલે તાપમાનનો પારો ૩૮.૫ ડિગ્રી, પોરબંદર ૩૮.૬ ડિગ્રી, જામનગરમાં ૩૮ ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો.

હજી બે દિવસ રાજયમાં સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી છે. અમુક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર થઈ જાય તેવી પણ સંભાવના છે. સવારે ૧૧ થી લઈ સાંજના ૫ કલાક સુધી આકાશમાંથી રિતસર અગનવર્ષા થતી હોય અને અંગને દઝાડતી ઠંડી પડે છે. રાજમાર્ગો પર બપોરના સુમારે સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ સર્જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.