ભાજપના મોહનભાઈ કુંડારિયા સામે કોંગ્રેસે ટંકારા-પડધરીના ધારાસભ્ય અને કડવા પટેલ સમાજના અગ્રણી લલિત કગથરાને આપશે ટિકિટ: સાંજે સત્તાવાર જાહેરાત
લોકસભાની રાજકોટ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ કડવા પટેલ સમાજમાંથી આવતા ઉમેદવારોને ટીકીટની ફાળવણી કરી છે. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા વચ્ચે લોકસભાનો ચુંટણી જંગ જામશે. અગાઉ જ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસ આજે સાંજ સુધીમાં રાજકોટ સહિતની ૭ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની ઘોષણા કરે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે.
રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપે સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારિયાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસમાંથી અલગ-અલગ ૩ થી ૪ નામોની ચર્ચા ચાલતી હતી અને પક્ષે કડવા પટેલ સામે કડવા પટેલ ઉમેદવારને જ મેદાનમાં ઉતારવાની વ્યુહરચના બનાવી છે અને રાજકોટ બેઠક માટે ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ કગથરાની ટીકીટ આપવાનું ફાઈનલ કર્યું છે જોકે આ અંગે સતાવાર જાહેરાત આજે સાંજે કરવામાં આવશે. રાજકોટ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના ઉમેદવારો કડવા પટેલ સમાજના હોવાના કારણે ચુંટણી જંગ રોમાંચક બની રહે અને કાંટે કી ટકકર જેવો માહોલ સર્જાય તેવું માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને ૨.૬૪ લાખ મતોની તોતીંગ લીડથી વિજય બની સાંસદ બન્યા હતા. તેઓ પર ફરી વિશ્ર્વાસ વ્યકત કરતા પક્ષે તેઓને રાજકોટ બેઠક પરથી ફરી લોકસભાની ચુંટણી જંગમાં મેદાનમાં ઉતાર્યા છે.
મોહનભાઈ મંગળવારે ઉમેદવારી ફોર્મ ભરશે: મુખ્યમંત્રી હાજર રહે તેવી સંભાવના
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા આગામી મંગળવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહે તેવી સંભાવના જણાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે સવારે ૧૧:૦૦ કલાકે બહુમાળી ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ અહીં એક વિશાળ સભા યોજવામાં આવશે ત્યારબાદ મોહનભાઈ કુંડારિયા બપોરે ૧૨ કલાક અને ૩૯ મિનિટના શુભ વિજય મુહૂર્તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ તકે મુખ્યમંત્રી ઉપરાંત સંગઠનના પણ હોદેદારો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના છે.