રાજકોટમાં ૩૩૫માં નાના મોટો બુટલેગરો એક્ટિવ: ગત વર્ષે દારૂના ૧૩૫ ગુનામાં ૧૭૨ બુટલેગર ઝડપાયા: લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રૂ.૪૬.૧૬ લાખની કિંમતની ૧૨,૬૪૯ બોટલ દારૂ પકડાયો: ગુજરાતમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડવામાં આવ્યો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ કરાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં કેટલાક લીસ્ટેડ બુટલેગરો પોલીસની મીઠી નજર હેઠળ અથવા તો પોલીસની આંખમાં ધુળ નાખીને દારૂનો બેરોકટોક વેપલો કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી જાહેર થતાં રાજયભરની પોલીસ બુટલેગરો પર ધોસ બોલાવી કરોડો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. કેટલાક બુટલેગરોએ દારૂનો ધંધો સંકેલી લીધો છે તો કેટલાકે ચૂંટણી પૂર્વે જ કરોડોનો વિદેશી દારૂનો જંગી જથ્થો સગેવગે કરી છુપાવી દીધો છે.
રાજકોટમાં ગત વર્ષે ૧૩૫ જેટલા કેસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં ૧૭૨ જેટલા બુટલેગરનોની ધરપકડ કરી તેની પાસેથી ૧.૮૪ કરોડની કિંમતની ૫૬,૫૧૬ બોટલ વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની સાથે સાથે પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ સામે પણ કડક કાર્યવાહી કરી ૧૪ હજારની કિંમતનો ૭૦૦ લિટર દેશી દારૂ પકડી પાડયો છે.
નામચીન બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળીનો રૂ.૩૯.૬૪ લાખની કિંમતની ૧૦,૪૨૮ બોટલ વિદેશી દારૂ પણ પોલીસે ગત વર્ષે ઝડપી લીધો છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી જાહેર થતા પોલીસે દારૂબંધીનો કડક અમલ કરાવી ૧૨ જેટલા સ્થળે દરોડો પાડી કુલ રૂ.૪૬.૧૬ લાખની કિંમતની ૧૨,૬૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે.
જયારે રાજકોટ જિલ્લામાં ૨૧૭ જેટલા બુટલેગરો સક્રીય છે જે પૈકી ૯૩ જેટલા બુટલેગરો સામે ગત વર્ષે કાર્યવાહી કરવામાં આવી છે. દારૂ અંગેના કેસ કરી રૂ.૯.૧૮ લાખની કિંમતની ૩,૧૩૭ બોટલ દારૂ, રૂ.૩૭,૩૪૦ની કિંમતનો ૪,૫૦૯ લિટર દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રનગર કનુ કરપડા, જામનગર અજીતસિંહ જાડેજા, રાજકોટમાં હર્ષદ મહાજન અને યાકુબ મોટાણી, મુળ વાંકાનેર અને જંગલેશ્વમાં કાર્યક્ષેત્ર ધરાવતા ફિરોજ સંધી, શિવ મહાજન જૂનાગઢમાં રાજુ ડોસા અને ધીરેન કારીયા નામના શખ્સો મોટા પાયે દારૂનું કટીંગ કરતા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
જ્યારે ગુજરાતમાં દારૂ રાજસ્થાનના સાંચોરના સુભાષ મારવાડી, બાબુ મારવાડી, ગુડગાવના જોગાજી જે, ઉદયપુરના દિલીપ મારવાડી અને ભરત મારવાડી ઉપરાંત હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જો કે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજયની તમામ ચેક પોસ્ટ પર પોલીસના કડક ચેકીંગના કારણે વિદેશી દારૂની કુતરીમ અછત સર્જાય છે.