પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આભાર માનતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની
રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસ દ્વારા આજે મિલકત વેરાની બાકી નિકળતી રકમ પેટે રૂ.૪.૫૬ કરોડ રાજકોટ મહાનગરપાલિકાને જમા કરાવ્યા હતા. આ તકે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આભાર વ્યકત કર્યો હતો.
શહેર પોલીસે મિલકત વેરા પેટે રૂ.૪ કરોડ અને રાજકોટ રૂરલ પોલીસે મિલકત વેરા પેટે રૂ.૫૬ લાખ આજે મહાપાલિકામાં જમા કરાવ્યા હતા. શહેરના વિકાસમાં સહભાગી થવા બદલ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ પોલીસ કમિશનરનો આભાર વ્યકત કર્યો હતો.
આજે વેરા વસુલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત કોઠારીયા વિસ્તારમાં ૪૨ મિલકતો સીલ કરવામાં આવતા રૂ.૪૮ લાખની વસુલાત થવા પામી છે. જયારે વેસ્ટ ઝોનમાં ૨ મિલકત સીલ કરવામાં આવી હતી અને ૨૨ મિલકતોને મિલકત ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.