સાત વર્ષ પૂર્વે યુવતિને મેસેજ કરવાના બહાને યુવકનું ઢીમઢાળી દીધું ‘તું: બે ભાઈ સહિત ત્રણને શંકાનો લાભ
સામા પક્ષે મારામારીમાં સંડોવાયેલા અને મૃતકના પિતાને તકસીરવાન ઠેરવતા પ્રોબેશનનો લાભ આપી છોડી મૂકાયા
શહેરના કોઠારીયા રોડ પર આવેલા ન્યુસાગર સોસાયટીમાં યુવતિને મેસેજ કરવાના પ્રશ્ર્ને ખેલાયેલા ધિંગારામાં પટેલ યુવકની હત્યા અને સામે પક્ષે મારામારીના ગુનાનોકેસ ચાલી જતા અદાલતે એક શખ્સને આજીવન કેદ અને દંડ ફટકાર્યો છે. જયારે બે શખ્સોને શંકાનો લાભ આપી નિદોર્ષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. જયારે સામાપક્ષે મારામારીના ગુનામાં સંડોવાયેલા અને હત્યારાના પિતાને તકસીરવાન ઠેરવતા પોબેશનનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરનાં કોઠારીયા રોડ નજીક ન્યુસાગર સોસાયટીમાં યુવતીને મેસેજ કરવાના પ્રશ્ર્ને મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા સંજય તુલશીભાઈ નશીતનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાતા પોલીસે મૃતકના પિતા તુલશી ગોપાલભાઈ નશીતની ફરિયાદ પરથી મહેશ હરી ગોહેલ, કિરણ હરી ગોહેલ, રાજુ ઉર્ફે રજુ હરી ગોહેલ અને બાળ આરોપી સામે હત્યાનો ભકિતનગર પોલીસ મથકમા ગુનો નોંધી ધરપકડ કરી હતી જયારે સામાપક્ષે મારામારીનો તુલશી ગોપાલ નશીત સામે ફરિયાદ નોંધી હતી.તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૨૯ સાહેદોને તપાસવામાં આવેલા અને ૫૪થ વધારે દસ્તાવેજી પૂરાવાઓ રજૂ રાખ્યા હતા.
બંને પક્ષોની રજૂઆતના અંતે સરકાર પક્ષ અને ફરિયાદ પક્ષે લેખીત મૌખીક દલીલો ધ્યાને લઈ જજ એચ.એમ.પવારે રાજુ ઉર્ફે રજૂ હરી ગોહિલને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. જયારે મહેશ હરી ગોહેલ અને કિરણ હરીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસના ફરિયાદી તુલશીભાઈ ગોપાલભાઈ નસીતને પણ આઈ.પી.સી.કલમ ૩૨૩-૧૩૫ હેઠળ તકસીરવાન ઠરાવવાનો હુકમ કરેલો જેમાં તુલશીનશીતના એડવોકેટે ફરિયાદીના દીકરાનું ખૂન થયાનું અને હાલના ફરિયાદી ઉમરલાયક હોય તથા કોઈ ગુનાહીત ઈતિહાસ નથી જેથી પ્રોબેશનનો લાભ આપવો જોઈએ જે દલીલોને ધ્યાને લઈને આ કેસનાં તુલશીભાઈ નસીતને પ્રોબેશન ઉપર છોડી મૂકવાનો હુકમ કરેલો હતો.
આ કામમાં મૂળ ફરિયાદી તુલસીભાઈ નશીત વતી ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ, પરમાર, વિજય પટેલ, કલ્પેશ નશીત, રાકેશ ભટ્ટ, જીજ્ઞેશ વિરાણી, કમલેશ ઉધરેજા, જીતેન્દ્ર કાનાબાર, અમૃતા ભારદ્વાજ, કિશન ટીલવા તારક સાવંત અને ગૌરાંગ ગોકાણી રોકાયેલા હતા.સરકાર પક્ષે સરકારી વકીલ બીનલ બેન રવેશીયાએ ઉપસ્થિત રહ્યા હતા.