ડીઆરડીઓને મળી ઐતિહાસિક સફળતા
મિશન શકિત અંતર્ગત ભારત અન્ય દેશોની સાથે ઈલાઈટ ગ્રુપમાં કર્યો પ્રવેશ
ભારતે અંતરીક્ષમાં સુરક્ષા માટે એન્ટી સેટેલાઈટ મિસાઈલ ટેકનોલોજી મેળવી લીધી છે. આ ટેકનોલોજી અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી. વડાપ્રધાન મોદીએ બુધવારે દેશને સંબોધતા જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકો લોઅર્થ ઓરબીટમાં ૩૦૦ કિલોમીટર દુર એક લાઈવ સેટેલાઈટને તોડી પાડી હતી. આ ઓપરેશન મિશન શકિત ભારતની એન્ટી સેટેલાઈટ મિસાઈલ એ-સેટ દ્વારા માત્ર ૩ મિનિટમાં પુરુ કરવામાં આવ્યું હતું.
ડીઆરડીઓના ચેરમેન જી સતિષ રેડ્ડીએ જણાવતા કહ્યું હતું કે, ભારતે દુનિયાને બતાવી દીધું છે કે, ભારત દેશ પણ સેટેલાઈટસને અમુક સેન્ટીમીટરના અંતર પર જઈને તોડી શકે છે. ડિફેન્સ એકસપર્ટ કર્નલ યુ.એસ.રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, જંગની સ્થિતિમાં આ મિસાઈલ ટેકનોલોજી દુશ્મન દેશમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ ઉભી કરી શકે છે.
જયારે ડીઆરડીઓના પૂર્વ પ્રમુખ ડો.વી.કે.સારસ્વતનું કહેવું છે કે, જો વિરોધી દેશોએ અંતરીક્ષમાં હથિયાર તૈનાત કર્યા છે તો ભારત હવે તેની સાથે ટકકર કરી શકે તે ક્ષમતા પણ ધરાવે છે. એન્ટી સેટેલાઈટ ટેકનોલોજી અમેરિકા તથા રશિયા વચ્ચે ચાલી રહેલી કોલ્ડવોરના સમયથી છે. આ એવું હથિયાર છે જેને મુખ્ય રીતે અંતરીક્ષમાં દુશ્મન દેશોની સેટેલાઈટને નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે.
કોલ્ડવોર દરમિયાન અમેરિકા અને રશિયાએ આ પ્રકારના હથિયાર બનાવ્યા પરંતુ ઉત્પાદન મોટાપ્રમાણમાં ન કર્યું હતું. આજે અમેરિકા ૮૦ ટકા કોમ્યુનિકેશન અને નેવીગેશન સિસ્ટમ સેટેલાઈટ પર આધારીત છે જેને લઈ અમેરિકા સમગ્ર વિશ્વ ઉપર નજર રાખી રહ્યું છે.
અનેકવિધ મિડીયા રીપોર્ટસના આધારે ચીન દ્વારા જયારે ૨૦૦૭માં એન્ટી સેટેલાઈટ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું ત્યારે તત્કાલીન સેના પ્રમુખ જનરલ દિપક કપુરે જણાવ્યું હતું કે, ચીન આ દિશામાં તેજીથી કામ કરી રહ્યું છે અને ભવિષ્યમાં અંતરીક્ષ જ હાઈ મિલેટ્રી ગ્રાઉન્ડ હશે જે બાદ ૨૦૧૨માં ડીઆરડીઓના પૂર્વ પ્રમુખ વી.કે.સારસ્વતે જણાવ્યું હતું કે, લોઅર્થ ઓરબીટમાં દુશ્મનના ઉપગ્રહને મારવાના હેતુસર એન્ટી સેટેલાઈટ હથિયાર બનાવવા ભારત આ પ્રકારની ટેકનોલોજી બનાવવા અનેક સમયથી કાર્ય કરી રહ્યું છે.
આ પૂર્વે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટવીટર પર જે આડકતરી જાહેરાત કરવામાં આવી હતી તેને જોતા ભારતના લોકોમાં કુતુહલનો માહોલ સર્જાયો હતો. ચુંટણી નજીક આવતાની સાથે જ વિરોધીઓ માટે શકિત પ્રદર્શન જે ભારત દ્વારા કરવામાં આવ્યું તે એક મુદ્દો પણ મળી ગયો છે અને વિરોધીઓ દ્વારા એવો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે પરંતુ જે વાત નિરર્થક સાબિત થઈ છે. કારણકે પ્રધાનમંત્રી મોદી દ્વારા સૌપ્રથમ શકિત પ્રદર્શન અંગેની જાહેરાત તેમના દ્વારા સોશિયલ મિડીયા મારફતે કરવામાં આવી હતી જે સહેજ પણ આચારસંહિતાનો ભંગ ગણવામાં આવતો નથી.