ટાઈફોઈડ તાવના ૨, મરડાના ૫, સ્વાઈનફલુનો૧ અને કમળાના ૫ કેસો નોંધાયા
ઉનાળાના આરંભે જ શહેરમાં રોગચાળાએ માથુ ઉંચકયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય ઝાડા-ઉલ્ટી અને તાવના ૩૬૫ કેસો નોંધાયા છે. આ ઉપરાંત સ્વાઈનફલુનો પણ એક કેસ નોંધાતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય શરદી, ઉધરસ અને તાવના ૨૩૯ કેસ, ઝાડા-ઉલ્ટીના ૮૯ કેસ, ટાઈફોઈડ તાવના ૨ કેસ, મરડાના ૫ કેસ, કમરાના ૨ કેસ, તાવના ૩૭ કેસ અને સીઝનલફલુ એટલે કે સ્વાઈનફલુનો એક કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૯૧૨૨ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
૧૫૯૯ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું હતું. શાળા-કોલેજ, હોટેલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત ૧૯૫ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત મચ્છરોની ઉત્પતિ જણાતા ૪૯ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૪૭ રેકડી, ૨૪ દુકાન, ૧૪ ડેરીફાર્મ, ૧૪ હોટલ રેસ્ટોરન્ટ અને ૭ બેકરી સહિત ૧૦૬ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૪૧ વેપારીઓને અનહાઈજેનિક કંડિશન સબબ નોટીસ ફટકારવામાં આવી હતી અને ૧૦ સ્થળોએથી ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા છે.