દર વખતે ચૂંટણી આવે એટલે બંડ પોકારતા રાજકીય આગેવાનો સામે પ્રજામાં રોષ બધુ ગોઠવાઈ જતા તાલુકા પંચાયતના સભ્યોએ પ્રમુખને સમર્થન જાહેર કરી દીધું
ઉપલેટા તાલુકા પંચાયતના પાંચ જેટલા સભ્યો એ જો કોંગ્રેસમાં લલીત વસોયાને ટીકીટ અપાશે તો પોતે ભાજપનું કામ કરશે તેવી ચીમકીઓ આપી સોશ્યલ મીડીયામાં લેટર પેડ ઉપર લખાણ કરી મેસેજ વાયરલ કરેલ પણ ગઈકાલે બધા બાગી સભ્યોનું ગોઠવાઈ જતા તાલુકા પંચાયતના પ્રમુખને પોતાનું સમર્થન જાહેર કરેલ હતુ ત્યારે પ્રજામાં આવા સભ્યો સામે રોષ ભભુકી ઉઠ્યો છે.
બે દિવસ પહેલા ઉપલેટા તાલુકા પંચાયતના ૫ પાટીદાર સભ્યોએ જો પોરબંદર લોકસભાની બેઠકની ટીકીટ ધારાસભ્ય લલીતભાઈ વસોયાને આપવામાં આવશે તો અમો તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સહિત ૫ સભ્યો કોંગ્રેસ વિરૂધ્ધ કામ કરી ભાજપને ખૂલ્લો ટેકો આપશું પંચાયતના સભ્યોએ મિડિયા તેમજ સોશ્યલ મિડિયામાં આ સમાચાર વહેતા કરતા જ ઉપલેટા તાલુકા પચાયતના પ્રમુખ લઘુમતીમાં આવી જશે તેવી વાત વહેતી થવા પામી હતી. પણ ધમકી આપનારા પાંચ બાગી સભ્યોમાંથી ત્રણ સભ્યોનું ગોઠવાઈ જતા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરને નિવાસ સ્થાને જઈ પોતાનું સમર્થન મિડિયા સમક્ષ આપેલ હતુ.
ત્યારે પ્રજામાં ચૂંટણી ટાણે તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. પ્રજાના મતે ચૂંટાઈને પોતાનો રોટલો શેકવા નિકળેલા આવા સભ્યોને લોકોએ ઓળખી લેવા જોઈએ. પ્રજામાં એક વાત એવી પણ સાંભળવા મળી છે કે દર વખતે તાલુકા પંચાયત-ધારાસભા કે લોકસભાની ચૂંટણી આવે એટલે રોટલા શેખવા ધારાસભ્યો બજારમાં આવી જાય છે. થોડાક દિવસો રાજીનામું આપવાની ધમકી આપી ધમપછાડા કરે પણ પોતાનો રોટલો સેકાઈ જાય એટલે પાછા મૂળ જગ્યાએ ગોઠવાઈ જાય છે. ત્યારે આવા સભ્યોને ઓળખી પ્રજાએ જાકારો આપવો જોઈએ જો સંસદની ટીકીટ સામે વાંધો હોય અને રાજીનામા દેવાની વાત હોય કે પક્ષ વિરૂધ્ધ કામ કરવાની વાત હોયતો હજુ સંસદના ઉમેદવાર કોંગ્રેસમાંથી જાહેર થયા નથી તો આવા બાગી સભ્યોએ અગાઉ કેમ તાલુકા પંચાયતના પ્રમુખ સામે ગોઠવી લીધી એ પણ એક પ્રજામાં ચર્ચાનો વિશય જાગ્યો છે.