બપોર સુધીમાં ૧.૫૦ કરોડની વસુલાત કુલ ૨૨ મિલકતોને નોટિસ ફટકારાઈ
કોર્પોરેશનને વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાકીદારોની ૯૬ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે બાકી વેરો વસુલવા માટે ફેડરલ બેંક અને બીઓબીને જપ્તી નોટીસ ફટકારાઈ હતી.ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખાની ૧૪ ટીમો દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત ઈસ્ટ ઝોનમાં ૯૨ મિલકતો સીલ કરવામાં આવતા ૬૫ લાખ રૂપિયાની વસુલાત થવા પામી છે.
સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા ગોંડલ રોડ પર શિવાલીક-૫ મિલકતમાં રૂ.૯.૪૦ લાખનો બાકી વેરો વસુલવા ફેડરલ બેંક તથા ભકિતનગર નજીક રૂ.૧૨.૯૧ લાખનો બાકી વેરો વસુલવા માટે બેંક ઓફ બરોડાને જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી. જુના રાજકોટમાં આજે કુલ ૪ મિલકતો સીલ કરાઈ હતી અને ૮૬ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી.
વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે વાવડી સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત ૮૦ લાખની વસુલાત થવા પામી છે. વોર્ડ નં.૮માં પીજીવીસીએલ ઓફિસ અને જેટકો સબ સ્ટેશનને બાકી વેરો ભરવા તાકીદ કરાતા ૧૦.૬૫ લાખ વેરો ભરપાઈ કરી દીધો હતો.