મામલતદાર કચેરીઓમાં શનિવારને જ નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેર કરી દેવાતા નવા મતદારોને ધકકા
સમગ્ર રાજયમાં નવા મતદારોની નોંધણીનું કામ આજ રોજ સુધી ચાલુ રાખવાનું હતુ પરંતુરાજકોટ જીલ્લામાં અનેક મામલતદાર કચેરીઓએ ગત શનિવારે અને નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેર કરી ને બે દિવસ પૂર્વે જ નવા મતદારોનું નોંધણીનું કામ આટોપી લીધું હતુ જેનાકારણે દેકારો મચીજવા પામ્યો છે. નોંધણી માટે આવતા નવા મતદારોને ધરમના ધકકા પણ થયા હતા.
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ફોર્મ નં. ૬ની કામગીરી આજરોજ સુધી ચાલુ રાખવાની હતી. ૧૮ વર્ષથી ઉપરના નવા મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં સમાવવા માટે ફોર્મ નં. ૬ ભરીને કચેરીએ જમા કરાવે છે. ત્યારે આજરોજ આ ફોર્મ જમા કરાવવાનો છેલ્લો દિવસ સતાવાર રીતે હતો પરંતુ જીલ્લાનીઅનેક મામલતદાર કચેરીઓએ ગત શનિવારને જ છેલ્લો દિવસ જાહેર કરી ને ફોર્મસ્વીકારવાની ચોખી ના પાડી દીધી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.જોકે રાજકોટ સિવાય રાજયભરમાં ફોર્મ ૬ સ્વીકારવામાં આવી રહ્યા હતા. પરંતુ રાજકોટની અનેક મામલતદારકચેરીઓમાં ફોર્મ નં.૬ સ્વીકારવામાં ન આવતા દેકારો મચીજવા પામ્યો છે.
ચૂંટણી પંચે આજરોજ ૨૫મી સુધી ફોર્મ નં. ૬ સ્વીકારવાનું જાહેર કર્યું હોવા છતા રાજકોટ જિલ્લાની અનેક મામલતદાર કચેરીઓએ ચૂંટણી પંચની વિરૂધ્ધ જઈને નવા મતદારો પાસેથી ફોર્મ નં.૬ સ્વીકારવાની ના ભણી દીધી હતી. જેના પગલે અનેક નવા મતદારોને કચેરી સુધીના ધકકા પણ થયા હતા. જોકે આ મામલે જાણ થતા ઉચ્ચ અધિકારીઓએ તુરંત જરૂરી સુચનાઓ આપતા અમુક કચેરીઓએ ફોર્મ નં. ૬ સ્વીકારવાનું ચાલુ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.