સંસદમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ગુજરાતના પ્રથમ ત્રણ સાંસદોમાં બે મહિલા સાંસદો
લોકસભાની ચુંટણીની ઘડીઓ ગણાય રહી છે ત્યારે સાંસદોની કાર્યક્ષમતાની ચર્ચા થાય તે સ્વભાવિક છે. ગુજરાતના તમામ ૨૬ સાંસદોમાં મહિલા સાંસદોનું પરફોમન્સ વધુ સંતોષજનક રહ્યું છે. રાજકારણમાં ૩૩ ટકા મહિલા અનામતની જોગવાઈ છે પરંતુ હજુ આ લક્ષ્ય સાધી શકાતું નથી.
સાંસદોના પરફોમન્સમાં પુરુષો કરતા મહિલા સાંસદો વધુ કાર્યક્ષમ પુરવાર થયા છે. ગુજરાતના મહિલા સાંસદો પોતાના મત વિસ્તારોમાં ગ્રાન્ટની ફાળવણી, સરકારમાં પ્રશ્ન પહોંચાડવા, સંસદમાં થતી ચર્ચામાં હિસ્સેદારી અને ખાનગી દરખાસ્તોથી લઈ નવા કાયદાઓ રચવાની પ્રક્રિયામાં પ્રશ્નો ઉઠાવવામાં અને વિકાસ માટે રચાયેલી સમિતિઓમાં ગુજરાતના મહિલા સાંસદો સવિશેષ પુરવાર થયા છે.
મહિલાઓને ૩૩ ટકા અનામતની વાતો વચ્ચે અત્યારસુધી ૧૯૬૨૧ સાંસદોમાંથી ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ૨૩ મહિલા સાંસદોને જ ગૃહમાં મોકલવામાં આવી છે. આ વખતે સંસદમાં શ્રેષ્ઠ પરફોમન્સ કરનાર ૩ સાંસદોમાંથી ગુજરાતના બે મહિલા સાંસદોમાં મહેસાણાના મહિલા સાંસદ જયશ્રી પટેલ અને સુરતના દર્શના જરદોશી અને અમદાવાદ પશ્ચિમના ડો.કિરીટ સોલંકીના પરફોમન્સ સારું નોંધાયું છે.
જયશ્રી પટેલની હાજરી ૯૮ ટકા નોંધાઈ છે. ૧૩૨ ચર્ચામાં ભાગ લઈ ૩૯૭ પ્રશ્નો સાથે ૬ ખાનગી દરખાસ્તો મુકી છે. સુરતનાં જરદોશીને હાજરી ૯૪ ટકા, ૭૫ ચર્ચામાં ભાગ લીધો. ૩૭૩ પ્રશ્નો અને ૧૧ વ્યકિતગત દરખાસ્તનો રેકોર્ડ બનાવ્યો છે. જયારે સોલંકીએ ૩૭ ખાનગી દરખાસ્તો મુકીને બીજો ક્રમ રચ્યો હતો. સરખંડના નિશિકાંત દુબેએ સૌથી વધુ ૪૮ દરખાસ્તો સાથે પહેલો નંબર મેળવ્યો હતો. સોલંકીએ ૪૧૮ પ્રશ્નો પુછયા હતા અને ૩૩૩ ચર્ચામાં ભાગ લીધો હતો અને તેમની હાજરી ૯૭ ટકા હતી.
સૌથી નબળા પરફોમન્સમાં પણ ગુજરાતના સાંસદ પોરબંદરના વિઠ્ઠલ રાદડિયા નાદુરસ્ત તબિયતને કારણે સૌથી ઓછી ૧૪ ટકા હાજરી અને તેમના નામે એકપણ પ્રશ્ન સંસદમાં પુછાયો નથી. કયારેય તેમણે ખાનગી દરખાસ્ત મુકી નથી કે કયારેય તેમણે ચર્ચામાં પણ ભાગ લીધો નથી તો ગાંધીનગરની બેઠક પરથી ચુંટાયેલા સાંસદ અડવાણીનો રેકોર્ડ પણ કંઈક અનોખો છે તે સાંસદમાં પ્રશ્નો પુછવામાં ભાગ લે છે.
પરંતુ તેમના પ્રશ્નો કયારેય ગુજરાત અને તેમના મતવિસ્તારને સંલગ્ન હોતા નથી. અડવાણીએ દિલ્હીના પ્રદુષણને લગતા પ્રશ્નો અને અન્ય મોટા શહેરોની સમસ્યાના પ્રશ્નોની સાથે-સાથે બે પ્રશ્નો ઈઝરાયલની વિમાન સુવિધા અને રાજદ્વારી સંબંધોને લગતા હતા. ગુજરાત વાત તેમણે કરી ન હતી. આમ ગુજરાતને મહિલા સાંસદો સાથે વધારે લેણાદેવી છે.