વૈરાગી, ગોસાઈ, ગૌસ્વામી, ગુસાઈ, અતિત, નાથબાવા, રામાનંદી અને માર્ગીનો અનુસુચિત જાતી જેવા સમકક્ષ લાભો આપવા માંગ
માંગરોળ દશનામ ગોસ્વામી સમાજે મામલતદારને આવેદન પાઠવી બાવા વૈરાગી, ગોસાઈ, ગોસ્વામી, ગુસાઈ, અતિત, નાથબાવા(જોગી), રામાનંદી, માર્ગી વગેરે જાતિઓને અનુ.જનજાતિ સમકક્ષ અનામતના બંધ કરવામાં આવેલા લાભ ફરી શરૂ કરવા તેમજ રાજયના સાધુ,સંતો, મહંતો અને બ્રાહ્મણોને રાજાશાહીના સમયથી મંદીરો, મઠો જાગીરીમાં મળેલી ખેતીની જમીનો રેગ્યુલર કરી માલિકી તેમજ ખેડુત હક્કો આપવાની માંગ કરી છે.
આવેદનમા જણાવાયું છે કે વર્ષ ૧૯૨૮માં નિમાયેલ કમિશને તેના અહેવાલમાં ઉપરોક્ત જાતિઓને એસ.સી., એસ.ટી. કરતા પણ વધારે પછાત ગણી છે. તેથી આ જાતિઓના વિકાસ માટે યોજનાઓ કરવી જોઈએ તેવું જણાવ્યું છે. પરંતુ ભાજપ સરકારે ગુજરાતમાં શાસન સંભાળ્યા બાદ ઠરાવો અને કમિશનોના અહેવાલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ૨૦૦૧થી અનામતના લાભ બંધ કર્યા છે.
પરિણામે આ જાતિઓનો વિકાસ રૂંધાયો છે. મહારાષ્ટ્રમાં વસ્તીના ધોરણે વિચરતી અને વિમુક્ત જાતિઓને અલગથી આપવામાં આવતી ૪% અનામત, અલગ અલગ વર્ષમાં કમિશનો દ્વારા કરવામાં આવેલી ભલામણો, ઠરાવોનો ઉલ્લેખ કરી વિશાળ જન સમુદાય ધરાવતા ગોસ્વામી જાતિના પ્રતિનિધીને વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના સભ્ય મંડળમાં સ્થાન નહીં આપીને અવગણના કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત દેશમાં આવેલા હિન્દુ મંદીરો, જાગીરો, મઠોના મહંતો અને બ્રાહ્મણોને રાજા મહારાજાઓ તરફથી જીવન નિવાઁહ માટે ખેતીની જમીનો આપવામાં આવી હતી. જેનો કબ્જો, ભોગવટો હાલમાં આ પરિવારો પાસે છે. ગામ નમુના નંબર ૬, ૮/૧૨માં તેઓને માત્ર વહિવટકર્તા તરીકે દર્શાવાય છે. જેથી ખેડૂત તરીકેના કોઈ લાભ મળતા નથી. ત્યારે મુસ્લિમ કબ્રસ્તાનોના વહીવટ માટે વકફ બોર્ડની જેમ સાધુ સમાજના સમાધી સ્થાનો માટે બોડઁની રચના, આ સ્થાનોમાં વિજળી, પાણી, કંપાઉન્ડ, સ્નાનઘાટની સુવિધા આપવા, સાધુ સમાજના બાળકો માટે કુમાર છાત્રાલયો માટે વિના મુલ્યે અથવા ટોકન ભાવે ટ્રસ્ટોને જમીન ફાળવવી, દરેક મેગા સિટીમાં ગુરુ શંકરાચાર્યજી અને ગુરૂ ગોરક્ષનાથજીના નામ ઉપર રોડ કે ચોકનું નામકરણ અને સ્ટેચ્યુ મુકવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે.