દવાખાનાઓમાં પ્રાથમિક સુવિધાઓનાં નામે મીંડુ: મેડિકલ સ્ટોરમાં પણ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં બિનઅનુભવી સ્ટાફ દ્વારા દવાઓનું ખુલ્લેઆમ વેચાણ
ઉના શહેરમાં અનેક ખાનગી હોસ્પિટલોમાં આવેલ છે પરંતુ આ હોસ્પિટલોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. શહેરમાં બત્રીસ કરતા વધારે હોસ્પિટલો નોંધાયેલ છે પરંતુ આ હોસ્પિટલોમાંથી મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળે છે. સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનોનો નિયમ છે ત્યારે આધુનિક ખાનગી હોસ્પિટલોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળે છે.
જયારે આગ જેવી ઘટના બને ત્યારે શું ??? એવો પ્રશ્નથાય છે. લોકો જયાં સારવાર મેળવવા જાય ત્યાં જ પુરતા સુરક્ષાના સાધનો ન હોય અને તંત્રને પણ આ ચકાસવાનો સમય ન હોય તેવું લાગી રહ્યું છે. આવી હોસ્પિટલોમાં ફાયર સાધનોની તપાસ થાય કે પછી તંત્ર તમામ બાબતોની જેમ સબ સલામતના ગીત ગાશે કે પછી તપાસ કરશે તેવો પ્રશ્નઉદભવી રહ્યો છે.
ઘણી હોસ્પિટલોમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. અન્ય જરૂરી સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. માહિતી અધિકાર અધિનિયમમાં અરજદાર રસિક ચાવડાએ માહિતી માંગતા તમામ બાબતો ધ્યાનમાં આવી છે ત્યારે ઉનાની લગભગ તમામ ખાનગી હોસ્પિટલોમાં પોતાની મેડિકલ સ્ટોરો આવેલા છે અને ત્યાંથી જ દવાઓ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે આ મેડિકલ સ્ટોરોમાં લાયસન્સ બીજાના નામનું હોય છે અને ફાર્માસીસ્ટની ગેર હાજરીમાં બિન અનુભવી લોકો દ્વારા દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આંખે પાટા બાંધી શહેરની મુલાકાત લેતા હોય એવું લાગે છે. કારણકે આ લોકોને માનવ જિંદગી સાથે ચેડા થતા દેખાતા નથી ત્યારે આ બાબતે કાર્યવાહી થાય તેવી લોકમાંગ થઈ રહી છે. આ વિસ્તારના ગરીબ પછાત વર્ગના લોકોની વસ્તી હોય આ લોકો ગેરલાભ લેતા હોય તેવું લાગે છે ત્યારે આગામી દિવસોમાં આ બાબતે કાર્યવાહીની માંગ થઈ રહી છે.