આનંદીબેન પટેલ ગાંધીનગર બેઠક પર પોતાની પુત્રી અનારને ટિકિટ અપાવવા તજવીજ કરી રહ્યા છે ત્યાં આ બેઠકના ચાર ધારાસભ્યોએ અમિત શાહનું નામ મૂકીને આનંદીબેનના મનસુબા પર પાણી ફેરવી દેવાનો પ્રયાસ કર્યોે
એક કાંકરે અનેક પક્ષી મારવા જેવો ગાંધીનગર સીટની સેન્સનો ઘાટ
લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે ત્યારે રાજયની તમામ ૨૬ બેઠકો પર મૂરતીયા પસંદ કરવા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અનેક બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટયો છે. જેથી, જ્ઞાતિથી માંડીને બીજા સમીકરણોને ધ્યાનમાં લઈને કયાં ઉમેદવારને ટીકીટ આપવી તે ભાજપી હાઈકમાન્ડ માટે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ રૂપ બની રહ્યું છે. ભાજપમાં પણ એક નહી અનેક જુથના ઉમેદવારોને ટીકીટ આપવા નેતાઓ હાઈકમાન્ડ પાસે ભારે દબાણ કરી રહ્યા છે. પરંતુ ભાજપમાં ચાલતી જુથબંધીની વિગતો પાર્ટી શિસ્તના કારણે ખૂબ ઓછી બહાર આવે છે.
તાજેતરમાં ગાંધીનગરની બેઠક માટે યોજાયેલી ભાજપ દ્વારા યોજાયેલી સેન્સ પ્રક્રિયા દરમ્યાન આ બેઠક નીચે આવતા સાણંદ, વેજલપૂર, નારણપૂરા, અને સાબરમતીનાં મતક્ષેત્રનાં ધારાસભ્યોએ નિરીક્ષકો સમક્ષઆ બેંક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લડાવવાની માંગ મૂકી હતી. જયારે, ઘાટલોડીયા બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે અમિત શાહનું નામ આપવાના બદલે પાર્ટી હાઈકમાન્ડ જે ઉમેદવારને ટીકીટ આપે તે સ્વીકાર્ય હોવાનું જણાવ્યું હતુ ભુપેન્દ્ર પટેલ , આનંદીબેન પટેલ, જૂથના ધારાસભ્ય ગણવામાં આવે છે. મધ્ય પ્રદેશના રાજયપાલ આનંદીબેને આ બેઠક પરથી પોતાની પુત્રીને ટીકીટ અપાવવા માંગે છે. અને તેના ભાગરૂપે તાજેતરની સેન્સ પ્રક્રિયા દરમ્યાન તેઓ ગુજરાતમાં સતત હાજર રહ્યા હતા.
જગજાહેર છે કે, ગુજરાત ભાજપમાં આનંદીબેન પટેલનું અને અમિત શાહના એમ બે જુથો સક્રિય છે. આ બંને જુથોનાં આકાઓ ભાજપના સુપ્રીમો ગણાતા નરેન્દ્રભાઈ મોદીની એકદ નજીક ગણાય છે. જેથી, આ બંને જુથો સમયાંતરે એક બીજાને મ્હાત આપવાનો પ્રયાસ કરતા રહે છે. ભૂતકાળમાં આનંદીબેન મુખ્યમંત્રી પદે હતા. ત્યારે ફેક એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા અમિત શાહને રાજય બહાર ધકેલાવી દઈને રાજયમાં એક હથ્થુ શાસન ચલાવ્યું હતુ પરંતુ અમિત શાહે ગુજરાતનાં રાજકીય વનવાસનો ઉપયોગ કરીને દેશભરનાં ઉચ્ચ ભાજપ નેતાઓ સાથે નિકટતા કેળવીને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની રાજકીય તાકાત ઉભી કરી હતી. જેથી મોદીએ શાહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા.
રાજયમાં ઉભા થયેલાપાટીદાર અનામત આંદોલનને ડામવામાં નિષ્ફળ ગયેલા આનંદીબેનને મુખ્યમંત્રીપદેથી વિદાય આપવા માટે શાહે પાર્ટી હાઈકમાન્ડ પર ભારે દબાણા ઉભુ કર્યું હતુ. જેથી, આનંદીબેનને મનેકમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડયું હતુ. જે બાદ આનંદીબેનની પસંદના નિતિન પટેલને મુખ્યમંત્રી બનાવવા દેવામાં પણ અમિત શાહે ફાચર મારીને પોતાના જુથના મનતા વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીપદે બેસાડયા હતા જે બાદ વર્ષ ૨૦૧૭ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોના આક્રોશ છતા ભાજપને વિજયી બનાવી રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી બનાવીને તથા આનંદીબેનને મધ્યપ્રદેશના રાજયપાલ બનાવીને રાજયના રાજકારણમાંથી બહાર ધકેલી મૂકીને અમિત શાહે પોતે ગુજરાતનાં રાજકારણનાં શહેનશાહ હોવાનું પૂરવાર કર્યું હતુ.
આગામી, લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પર આનંદીબેન પોતાની પુત્રી અનારને ટીકીટ અપાવવા માટે મહેનત કરી રહ્યા છે. જયારે અમિત શાહે આનંદીબેનનો ગુજરાતમાં ફરી પગપેસારો રોકવા પોતે ગાંધીનગરથી લડવા તૈયારી આદરી છે. જેના ભાગરૂપે આ બેઠક નીચેના વિવિધ ધારાસભ્યોએ અમિત શાહનું નામ સેન્સના નિરીક્ષકો પાસે રજૂ કર્યું હતુ આ વખતે આ બેઠક પ્રતિનિધિત્વ કરતા લાલકૃષ્ણા અડવાણીને આ બેઠક પર ટીકીટ આપવા ભાજપ હાઈકમાન્ડની ઈચ્છા નથી. જેથી આ ધારાસભ્યો એ રાષ્ટ્રીય કક્ષાના નેતાની જગ્યાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટીકીટ આપવા રજૂઆતો કરી હતી.
આમ પણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં પોતાના અંગત વિશ્ર્વાસુ પ્રધાનોની કમી મહેસુસ થઈ રહી છે. વર્તમાન ગૃહપ્રધાન રાજનાથસિંઘ મોદી સરકારમાં આગવી કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યાની છાપ વડાપ્રધાન મોદીના મનમાં ઉભી થવા પામી છે. જેથી, આગામી ચૂંટણી બાદ ફરીથી મોદી સરકાર બને તો અમિત શાહ દેશના ગૃહપ્રધાન પદ માટે યોગ્ય દાવેદાર ગણી શકાય છે. જેથી વડાપ્રધાન મોદી પણ અમિત શાહને લોકસભાની ચૂંટણી લડાવીને કેન્દ્રમાં પ્રધાનપદુ આપવા માટે તૈયાર હોય ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહની ટીકીય ફાયનલ હોવાનું રાજકીય નિરીક્ષકોમાં ચર્ચાઈ રહ્યું છે.