પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સોમવારે રાજકોટનો વારો: ૧૭ હોદેદારો રહેશે ઉપસ્થિત: રાજકોટ બેઠક માટે મોહનભાઈ કુંડારિયાના નામ પર સર્વસંમતિ
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરે તે વાત લગભગ ફાઈનલ મનાઈ રહી છે. આજે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો નકકી કરવા માટે આવતીકાલથી ૩ દિવસ માટે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનારી છે. જેમાં સોમવારે સવારે રાજકોટનો વારો છે. રાજકોટ બેઠક માટે સ્થાનિક સંગઠન દ્વારા એકમાત્ર મોહનભાઈ કુંડારિયાને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
ગત ગુરુવારે પ્રદેશ નિરીક્ષક નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકર દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અપેક્ષિતો અને આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા. રાજકોટ બેઠક માટે સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો.ભરત બોઘરા, ચેતન રામાણી, પરેશ ગજેરા સહિતના નામો ચર્ચામાં છે.
જોકે સેન્સ દરમિયાન મોટાભાગના આગેવાનોએ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવે તો કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. આવતીકાલથી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આરંભ થઈ રહ્યો છે.જેમાં સોમવારે સવારે ૧૦ થી ૧૦:૪૫ કલાક સુધી રાજકોટ લોકસભા બેઠકનો વારો છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ રાજકોટ લોકસભા બેઠકના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, સહ ઈન્ચાર્જ બાવનજીભાઈ મેતલીયા, રાજકોટ શહેર અને જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, મેયર બીનાબેન આચાર્ય, પ્રદેશ નિરીક્ષક નરહરી અમીન, જયાબેન ઠકકર, બાબુભાઈ જેબલીયા, પક્ષના પ્રદેશ પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, વિસ્તારક ભરતભાઈ ડેલીવાળા સહિત ૧૭ આગેવાનો ઉપસ્થિત રહેશે જેમાં સેન્સ દરમિયાન નિરીક્ષકો સમક્ષ આવેલા નામો પણ ચર્ચા કરવામાં આવશે.
પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સ્થાનિક સંગઠન પાસે જો કોઈ એક નામ માંગવામાં આવશે તો મોહનભાઈ કુંડારીયાનું નામ રજુ કરવામાં આવશે. રાજકોટ બેઠક પરથી ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લડે તેવી સંભાવના પણ જણાઈ રહી છે. જોકે આ શકયતા ખુબ જ નહીવત છે. ટુંકમાં ભાજપે સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાને ફરી રીપીટ કરવાનું મન બનાવી લીધું છે.