લોકસભાની ચુંટણીમાં મહત્વની કામગીરી બજાવતા એવા સેકટર ઓફિસર, એફએસટી અને એસએસટીના વાહનો ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. ચુંટણીતંત્ર દ્વારા આ અધિકારીઓના ૨૦૦ જેટલા વાહનો પર જીપીએસ સિસ્ટમ લગાવીને કંટ્રોલ ઓફિસથી સતત મોનીટરીંગ કરાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
લોકસભાની ચુંટણી સંદર્ભે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચુંટણી માટે સેકટર ઓફિસર, ફલાઈંગ સ્કવોર્ડ ટીમ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમની નિમણુક પણ કરી દેવામાં આવી છે. આ તમામ અધિકારીઓના વાહનો પર જીપીએસ સિસ્ટમ પણ ચુંટણી તંત્ર દ્વારા લગાવી દેવામાં આવી છે.
કંટ્રોલ રૂમ ખાતેથી આ વાહનોનું સતત મોનીટરીંગ કરવામાં આવનાર છે. સેકટર ઓફિસરોની અંડરમાં અંદાજે ૧૪ જેટલા બુથો હોય છે. જેઓનું લાઈઝનીંગ કરવાની જવાબદારી તેમના શીરે સોંપવામાં આવે છે. ઉપરાંત ઈવીએમ બગડે તો તેને રાખવાની જવાબદારી પણ સેકટર ઓફિસરોને આપવામાં આવતી હોય છે. આ સાથે ફલાઈંગ સ્કવોર્ડ તેમજ સ્ટેટીક સર્વેલન્સ ટીમને પણ આચારસંહિતા ભંગને અટકાવવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે આ તમામ ટીમના વાહનો ઉપર દેખરેખ રાખવા જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે.