વ્રજના સુપ્રસિઘ્ધ કલાકારો રસીયાની કૃતિ રજુ કરશે: સંસ્થાના અગ્રણીઓ ‘અબતક’ના આંગણે
સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ માટે સર્વોતમ સેવા સંસ્થાન (એસ-૩) શાખા નં.૪ના તત્વાવધાનમાં નિ.લિ.પુ.પા.ગો.૧૦૮ વલ્લભલાલજી મહારાજના શુભ આશીર્વાદથી એવમ ગોસ્વામી ગોપેશકુમારજી મહારાજ તેમજ પુ.પા.ગોસ્વામી પરાગકુમારજી મહોદયના સાનિઘ્યમાં ફુલફાગ હોરી રસિયા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્રજના સુપ્રસિઘ્ધ કલાકારો દ્વારા રસિયાની કૃતિ રજુ કરવામાં આવશે.
આ કાર્યક્રમ કાલે રાત્રે ૯:૦૦ કલાકે પ્રદ્યુમનસિંહજી પ્રાથમિક શાળા નં.૨ના મેદાનમાં કરણપરા ચોક, કેનાલ રોડ, રાજકોટ ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં જે લીલાઓ સારસ્વત કલ્પમાં બરસાના નંદગામ, શ્રીમદ ગોકુલ આદિ વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજભકતો, ગોપિકાઓ, સખા મંડલી સાથે સખ્ય ભાવે જે હોરી ખેલ લીલા કરી છે તે લીલાઓનું સુંદર રીતે અલગ જ શૈલીમાં ધમાર, રસિયા, ફુલફાગ, કિર્તનો દ્વારા નિરૂપણ કરવામાં આવશે. આવા સુંદર અલૌકિક પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમને સફળ બનાવવા સર્વોતમ સેવા સંસ્થાન શાખા નં.૪ના તમામ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે રઘુરાજ સિસોદિયા, વ્રજદાસ લાઠિયા, નિલેશભાઈ આડેસરા, અમિતભાઈ રાધનપુરા, દેવેનભાઈ પારેખ, પ્રદિપભાઈ પારેખે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લઈ માહિતી આપી હતી.