ફાગણ મહિનાની શરુઆત થતાંની સાથે જ ઉત્સવ પ્રેમીઓમાં ભારતીયોનો પર્વ હોળીનો ઉમંગ છવાઇ જાય છે. ઘણા દિવસો અગાઉ તહેવારને લઇ બજારો ધમધમવા લાગે છે. કહેવાય છે કે ઉતરાયણ પછી જો મોટો તહેવાર આવતો હોય તો તે છે હોલી…. લોકો હોળી પર્વને ઉજવવા કંઇ કેટલા આયોજનો તો ખરીદી અગાઉથી જ કરવા લાગે છે. હવે તો રંગોના પર્વ એવા હોળી ધુળેટીની ગણતરીની કલાકો બાકી રહી છે.
ત્યારે બજારોમાં રંગો, પિચકારી, ફુગ્ગાઓ તેવી જ રીતે ખાવાની ચીજોમાં ખજૂર, દાળીયા, હાયડા ટોપરા વગેરેની પૂરજોરમાં ખરીદી ચાલી રહી છે. યુવાનો વડીલો સૌ કોઇની સાથે બાળકો પણ હાલ પરીક્ષાનું ટેન્શન દુર કરી હોળી પર્વ ઉમંગભેર ઉજવવા થનગની રહ્યાં છે. અને બોર્ડના વિઘાર્થીઓની પરીક્ષા ચાલુ છે. તો પ્રાથમીક, માઘ્યમિકતા વિઘાર્થીઓ હોળીનો પર્વ ઉજવી આરામથી પરીક્ષા આપશે.
નવા ટ્રેન્ડ મુજબ હોટેલો, રેસ્ટોરન્સમાં પણ ધુળેટી પર્વ ઉજવવાનું શરુ થયું છે. જયાં ડી.જે. વીથ ડાન્સ અને સ્વીમીંગ સાથે રંગોની છોળો ઉડાડી લોકો ધુમ મચાવે છે. છેલ્લા બે ત્રણ વર્ષથી આ કેઝ ચાલ્યો છે. હોળી પર્વની રાજકોટ માટે વાત કરીએ તો શહેરના અનેક નાના-મોટા ચોકમાં હોળીના આયોજનો થાય છે. હોળી આડે ત્રણ-ચાર દિવસ બાકી હોય આયોજકો, ધર્મપ્રેમીઓ હોળી ગોઠવવાના કામે લાગી ગયા છે આમ, મોટો પર્વ રંગોનો પર્વ હોળી ઉજવવા સૌ કોઇમાં હલચલ મચી છે.