સેન્સ દરમિયાન નિરીક્ષકો સમક્ષ આવેલા નામો અંગે પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા-વિચારણા બાદ દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ રજૂ કરાશે
ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા સત્તાધારી પણ ભાજપ દ્વારા ત્રણ-ત્રણ નિરીક્ષકોની પેનલ બનાવવામાં આવી છે. આ નિરીક્ષકોની ટીમ જે તે લોકસભા ક્ષેત્રમાં જઈ ઉમેદવારની પસંદગી માટે કાર્યકરો અને આગેવાનોના અભિપ્રાય મેળવી રહ્યાં છે. દરમિયાન આજે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આવતીકાલથી ત્રણ દિવસ માટે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.
જેમાં નિરીક્ષકોના અહેવાલ પર ચર્ચા-વિચારણા કર્યા બાદ અહેવાલ દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક ગુજરાતની તમામ લોકસભા બેઠક પર જંગી લીડ સાથે વિજય હાંસલ કર્યો હતો. આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠક પર કમળ ખીલે તે રીતે ભાજપે કમરકસી છે.
છેલ્લા ત્રણ દિવસથી ભાજપના ૭૮ નિરીક્ષકો અલગ અલગ લોકસભા વિસ્તારમાં જઈ અપેક્ષીતોની સેન્સ લઈ રહ્યાં છે. આજે સાંજે તમામ ૨૬ બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ નિરીક્ષકો દ્વારા સેન્સ દરમિયાન પોતાની પાસે આવેલા ચૂંટણી લડવા ઈચ્છુકોને નામો તથા કાર્યકરો અને આગેવાનોએ આપેલા અભિપ્રાયનો અહેવાલ ગુજરાત પ્રદેશ ભાજપ ચૂંટણી સમીતી સમક્ષ રજૂ કરી દેશે. આવતીકાલ અર્થાત ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અલગ અલગ લોકસભા બેઠકની સંગઠનના હોદ્દેદારો સાથે મીટીંગ યોજવામાં આવશે અને જેમાં કયાં ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો ભાજપ સરળતાથી આ લોકસભા બેઠક જીતી શકે તે અંગેના અભિપ્રાયો પણ મેળવવામાં આવશે. સતત ત્રણ દિવસ સુધી આ પ્રક્રિયા ચાલ્યા બાદ પ્રદેશ ભાજપ દ્વારા આખરી અહેવાલ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩ એપ્રીલના રોજ મતદાન યોજાવાનું છે અને ૪ એપ્રીલ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય સંભવત: ભાજપ ૧ અથવા ૨ એપ્રીલના રોજ પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેશે.