“હાર્દિકની ફિસિયારી કે કોન્ફીડન્સ
રાજય સરકાર દ્વારા લગાવવામાં આવેલા અનેકવિધ આરોપો નિરર્થક: હાર્દિક પટેલ
હાલ લોકસભાની ચુંટણીને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એક એવી વાત સામે આવી છે કે, જેમાં હાર્દિક પટેલે પોતાને મળતી સજા મુલત્વી રાખવા માટે કોર્ટમાં પણ અરજી કરી છે. વાત કરવામાં આવે તો કયાંકને કયાંક આ હાર્દિકને ફિસયારી કે પછી કોન્ફીડન્સ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારના નિવેદનો આપવાથી હાર્દિક પટેલની બાલીસ્તા સાબિત થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. કોઈપણ પક્ષનો ઉમેદવાર સચોટપણે એવું જણાવી ન શકે કે તે જીતી શકશે. કારણકે પ્રજા સર્વોપરી અને જનાધારના કારણે જ કોઈપણ પક્ષનો ઉમેદવાર ચુંટણી જીતતો હોય છે કે પછી હારતો હોય છે.
હાલ હાર્દિક પટેલની સ્થિતિ ભાદરવાના ભીંડાની જેવી છે તેવું પણ લાગી રહ્યું છે. લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે ત્યારે ઈન્દીરા ગાંધી સહિતના અનેકવિધ દિગ્ગજ નેતાઓને પણ પ્રજાએ ઉખાડીને ફેંકી દીધા હતા ભલે તેઓ ખુબ જ શકિતશાળી હતા ત્યારે હાર્દિક પટેલ દ્વારા જે બાલીસ્તા દેખાડવામાં આવી રહી છે.
તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે તે હજી પરીપકવ નથી. હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષનું લેબલ લાગતાની સાથે જયારે જેને જામનગર બેઠક ઉપરથી લડવા માટેની મંજુરી આપવામાં આવી હતી ત્યારે એક વાતની પુષ્ટિ એ થાય છે કે જામનગરની બેઠક હાર્દિક પટેલ માટે લોઢાના ચણા ચાવવા જેવી છે. કારણકે જામનગરમાં સતવારા, ક્ષત્રિય સહિતના સમાજોનું પ્રભુત્વ રહેલું છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલની સ્થિતિ કેવી થશે તે તો આવનારો સમય જ જણાવશે.
કોંગ્રેસ પક્ષનું લેબલ લાગ્યા બાદ હાર્દિક પટેલ જાણે સમાજથી પાછળ રહી ગયો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. હાર્દિક પટેલ હાલ પાસના જોરે ચાલી રહ્યો છે પરંતુ પાસમાં પણ તે પાસ થતો નથી ત્યારે પ્રજાના મેઈનડેડ ઉપર જ હાર્દિક પટેલની કારકિર્દીનો નિર્ણય થશે કે પ્રજા દ્વારા જે સ્વિકારવામાં આવ્યો છે કે પછી તેનો અસ્વિકાર કરાયો છે.
હાલ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ બહારના અન્ય પરીબળો ઉપર ધ્યાન કેન્દ્રીત કરી આગળ વધી રહ્યો છે પરંતુ તે વાતથી હાર્દિક પટેલ અજાણ છે કે સ્થાનિક લોકો જ કોઈપણ ચુંટણીમાં સ્થાનિક સ્તર પર કામ કરતા હોય છે ત્યારે સ્થાનિક લોકોનો ભરોસો જીતવો જ તે મહત્વની વાત કહી શકાય પરંતુ હાર્દિક પટેલ જે રીતે આગળ વધી રહ્યો છે તે જોતા એવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે તે તેની બાલીસ્તાને ઉજાગર કરી રહ્યો છે જેથી તેઓ ગુજરાત હાઈકોર્ટને જણાવી રહ્યો છે કે તેના પર જે ગુના લગાવવામાં આવ્યા છે તેના પર સ્ટે મુકવામાં આવે. કારણકે તે ચુંટણી જીતવાનો છે.
ભારતના ઈતિહાસમાં એવું એક પણ વાર ન બનતું હોય કે ગમે તેવા દિગ્ગજ નેતાઓ ચુંટણી લડવા માટે કોર્ટ સમક્ષ માંગણી કરે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો ઉપર સ્ટે મુકવામાં આવે એવી જ ઘટના હાર્દિક પટેલ સાથે ઘટી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંસ્થાપક અને પ્રણેતા હાર્દિક પટેલ પાટીદારો માટે અનામતની ઘણી ખરી લડત લડી હતી.
પરંતુ કયાંક હરીરસ ખાટો થવાથી પક્ષનું કામ પાછળ છોડી વ્યકિતગત વિકાસ માટે રાજકારણમાં જોડાયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને પણ જવાબ આપવા માટે જણાવ્યું છે કે, હાર્દિક પટેલની જે માંગણી છે કે તેમના પર રાયોટીંગના કેસો દાખલ કરવામાં આવ્યા છે તેના પર સ્ટે મુકવામાં આવે જેથી તે ૨૦૧૯ની લોકસભાની ચુંટણી લડી શકે.
કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવતા કહ્યું હતું કે, હાર્દિક પટેલ માત્ર ચુંટણી નહીં લડે પરંતુ ચુંટણી જીતશે પણ ખરા. ગત વર્ષમાં હાર્દિક પટેલ વિસનગર કોર્ટમાં રાયોટીંગ અને માલ-મિલકતોની નુકસાનીના કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો ત્યારે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, તેના ઉપર લાગેલા આરોપો તદન ખોટા છે. વધુમાં તેને કોર્ટને જણાવતા કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા તેના પર અનેકવિધ પ્રકારના ખોટા કેસો લગાડવામાં આવ્યા છે.