પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ધાર, જો કોઈ પક્ષ ટિકિટ આપશે તો જ તેની સાથે જોડાઈશ નહીંતર અપક્ષ તરીકે ચૂંટણી લડીશ: રેશ્મા પટેલ
પોરબંદર લોકસભા બેઠક પર ભાજપને હરાવવા માટે ગઠબંધન રચવા રેશ્મા પટેલે રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું
પાટીદાર અનામત આંદોલન સમીતીના આગેવાન તેમજ ભાજપના મીડિયા પેનેલીસ્ટ પ્રવકતા રેશ્માબેન પટેલે આજે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે તેઓએ ભાજપનો કેસરીયો ખેસ કુરીયર મારફતે કમલમ્ કાર્યાલયને સુપ્રત પણ કરી દીધો છે. રાજીનામુ આપતી વખતે તેઓએ પોરબંદર લોકસભા તેમજ માણાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું જાહેર કર્યું છે.
જો કોઈ પક્ષ ટિકિટ આપે તો જ તેની સાથે જોડાઈને નહીંતર અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું તેઓએ નિવેદન આપ્યું છે. આ સાથે રેશ્મા પટેલે પોરબંદર લોકસભા બેઠક પર ભાજપને હરાવવા માટે ગઠબંધન રચવાનું અન્ય રાજકીય પક્ષોને આમંત્રણ પણ પાઠવ્યું છે. જો કે કેસરીયો ત્યાગ્યા બાદ રેશ્મા પટેલ ઉપરથી કોંગ્રેસે પણ હાથ પાછો ખેંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જેથી રેશ્મા પટેલને હવે ચૂંટણી અપક્ષ તરીકે લડવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. પાટીદાર આંદોલન સમીતીના મહિલા આગેવાન રેશ્માબેન પટેલ અગાઉ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપ દ્વારા તેને મીડિયા પેનેલીસ્ટ પ્રવકતાનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો. જો કે છેલ્લા ઘણા સમયથી રેશ્માબેન પટેલ ભાજપની કાર્ય પધ્ધતિ યોગ્ય ન હોવાના આક્ષેપો પણ કરતા હતા. અંતે આજરોજ રેશ્માબેન પટેલે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે તેઓએ ભાજપનો કેસરીયો ખેસ પણ કુરીયર મારફતે કમલમ્ ખાતે રવાના કરી દીધો છે.
રેશ્માબેન પટેલે જણાવ્યું હતું કે, ભાજપ માત્ર માર્કેટીંગ કંપની બની ગઈ છે. અમને સેલ્સ પર્સનની જેમ માત્ર ભાજપની ખોટી નીતિઓ અને ખોટી યોજનાઓનું માર્કેટીંગ કરાવીને જનતાને છેતરવાનું કામ શિખવાડવામાં અને કરાવવામાં આવે છે. અમે લોકોની સેવા કરવા અને શકારાત્મક પરિવર્તન માટે કામ કરવા ઈચ્છીએ છીએ પરંતુ ભાજપના નેતાઓની તાનાશાહી હંમેશા કાર્યકર્તાઓને દબાવે છે.
વધુમાં રેશ્માબેન પટેલે ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે, તેઓ કોઈપણ સંજોગોમાં પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના જ છે. વધુમાં તેઓએ કહ્યું કે, ભાજપ સામે લડવા માટે અન્ય રાજકીય પક્ષો ગઠબંધન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જો કોઈ પણ ટિકિટ આપશે તો જ હું તે પક્ષમાં જોડાઈશ નહીંતર હું અપક્ષ તરીકે પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશ. જો અપક્ષ તરીકે લડવાનું થશે તો માણાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી પણ લડવાની છું. લોકસભાની ચૂંટણી સંદર્ભે મેં સરપંચ સંપર્ક અભિયાન પણ શરૂ કર્યું છે જેના હેઠળ ૭૨૫ જેટલા ગામોના સરપંચનો સંપર્ક કરવામાં આવનાર છે.
રેશ્માબેન પટેલે લલીતભાઈ વસોયાને સંબોધીને જણાવ્યું કે, હું તેઓને વડીલ માનુ છું, હું તેઓને સંબંધના દાવે ભલામણ કરી શકુ છું કે, જો ગઠબંધન કરીને ભાજપ સામે ચૂંટણી લડવામાં આવે તો પરિણામ સારૂ આવી શકે તેમ છે. ભાજપને હરાવવા માટે બધાને એક થઈને લડવું પડશે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, મારી લડાઈ માત્ર ભાજપ સામે નથી એવી માનસીકતા સામે છે જે મહિલાઓને પ્રાધાન્ય આપતી નથી. મહિલાઓનો વોટ શેર ૫૦ ટકા છે તો શા માટે મહિલા પ્રતિનિધિત્વ ન કરી શકે.
તેઓએ કહ્યું કે, ભાજપમાંથી માનસીક રીતે તો મેં ઘણા સમય પૂર્વે જ રાજીનામુ આપી દીધું હતું પરંતુ સત્તાવાર રીતે આજે રાજીનામુ આપી રહી છું, હું ભાજપમાં જોડાઈ તે મારી ભુલ ન હતી પણ મારી નિષ્ફળતા હતી, કારણ કે રાષ્ટ્રવાદ અને સમાજ સેવાની ભાવનાએ હું ભાજપમાં જોડાઈ હતી પરંતુ મારી અપેક્ષા ભાજપમાં ફળી નથી, તાનાશાહોની કોઈ હિંમત નથી કે તેઓ મને સસ્પેન્ડ કરી શકે, હું જ સામે આવીને રાજીનામુ મુકુ છું જેનો મને ગર્વ છે. અંતે તેઓએ કહ્યું કે, પક્ષમાં જોડાવું મારા માટે મહત્વનું નથી, પ્રતિનિધિત્વ કરવું તે મારા માટે મહત્વનું છે.
જે પક્ષો ટિકિટ ન આપે અને માત્ર જોડાવાની વાત કરે તો હું તેવા કોઈપણ પક્ષમાં જોડાવાની નથી તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ કોંગ્રેસના સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે કોંગ્રેસ પક્ષે પણ રેશ્મા પટેલ ઉપરથી હાથ પાછો ખેંચી લીધો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રેશ્મા પટેલને પક્ષમાં જોડવામાં આવે તેવી કોઈ સંભાવના દેખાઈ રહી નથી.