કોઈપણ બેઠક માટે સર્વસંમતિ ન સંધાતા નિરીક્ષકો પણ મુંઝવણમાં મુકાયા: સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર બેઠક માટે આજે સેન્સ
લોકસભાની ચુંટણી માટે મુરતીયા નકકી કરવા ભાજપ દ્વારા ગઈકાલથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગઈકાલે સૌરાષ્ટ્રની ૩ બેઠકો માટે સેન્સ લેવાયા બાદ આજે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને પોરબંદર લોકસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા સવારથી શરૂ કરવામાં આવી છે.
ગત લોકસભાની ચુંટણીમાં રાજયની તમામ ૨૬ બેઠકો ફતેહ કરનાર ભાજપ આ વખતે મુંઝવણમાં મુકાઈ ગયું છે કારણકે સૌરાષ્ટ્રની ૭ સહિત રાજયની એક પણ બેઠક માટે સર્વસંમતિથી કોઈ એક નામ નિરીક્ષકો સમક્ષ આવ્યું નથી. મોટાભાગની બેઠકો પર એકથી વધુ દાવેદારોએ લોકસભાની ચુંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે જોકે સૌથી મોટો પ્લસ પોઈન્ટ પર ભાજપ માટે એ છે કે તમામ દાવેદારોએ કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે જીતાડી દેવાની પણ બાંહેધરી આપી છે.
ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. આગામી ૨૮મી માર્ચે ચુંટણીનું સતાવાર જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે ત્યારે ઉમેદવાર નકકી કરવા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ રવામાં આવી છે. પ્રદેશ દ્વારા નિયુકત કરાયેલી ૩-૩ નિરીક્ષકોની પેનલ લોકસભા મત વિસ્તારમાં જઈ અપેક્ષિતોને સાંભળવામાં આવી રહ્યા છે.
રાજકોટ, જામનગર, અમરેલી બેઠક માટે ગઈકાલે સેન્સ લેવામાં આવી હતી. આજે ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને જુનાગઢ બેઠક માટે સેન્સ લેવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની ૭ પૈકી ૧ પણ બેઠક માટે ભાજપમાં સર્વસંમતિ સાથે કોઈ એક નામ નિરીક્ષકો સમક્ષ આવ્યું નથી. મોટાભાગની બેઠકો પર ૩ થી ૪ નામો આવ્યા છે જયારે અમુક બેઠક પર તો અડધો ડઝનથી વધુ દાવેદારો મેદાનમાં હોવાના અહેવાલો મળી રહ્યા છે.
વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હોમ સ્ટેટમાં પણ લોકસભાની ૨૬ બેઠકો માટે ભાજપમાં એક પણ બેઠક પર સર્વસંમતિ સાથે કોઈ એક નેતાનું નામ ન આવતા નિરીક્ષકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. આવતીકાલે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો સેન્સ દરમિયાન પોતાને મળેલા અભિપ્રાયનો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેશે જેમાં પાર્લામેન્ટરી બોર્ડ ચારણો મારી બેઠક વાઈઝ ૩-૩ ઉમેદવારોના નામની પેનલ બનાવી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરશે.
ઉમેદવારના નામની જાહેરાત દિલ્હીથી કરવામાં આવશે.
રાજકોટ બેઠક મોદી માટે સૌથી વધુ સલામત
લોકસભાની રાજકોટ બેઠક ભાજપ માટે અડિખમ ગઢ માનવામાં આવી રહી છે. છેલ્લા ૪૦ વર્ષ દરમિયાન યોજાયેલી લોકસભાની ચુંટણીમાં એક વાત કોંગ્રેસ આ બેઠક પરથી વિજેતા બન્યું છે બાકીની તમામ ચુંટણીમાં રાજકોટ બેઠક પરથી તોતીંગ લીડ સાથે કમળ ખીલી ઉઠયું છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે રાજકોટ લોકસભા બેઠક સૌથી વધુ સલામત માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન ઉતરપ્રદેશના વારાણસીમાંથી ચુંટણી લડશે તે વાતની જાહેરાત અગાઉ કરી દેવામાં આવી છે. ગુજરાતની એક બેઠક પરથી પણ નરેન્દ્રભાઈ ચુંટણી લડે તેવું માનવામાં આવી રહ્યું છે. ૨૦૧૪માં તેઓ વારાણસી ઉપરાંત ગુજરાતમાં વડોદરા બેઠક પરથી ચુંટણી લડયા હતા અને બંને બેઠક પરથી જીત્યા હતા જોકે પાછળથી તેઓ બરોડા બેઠક ખાલી કરી આપી હતી.
વર્ષ ૨૦૧૪માં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા ૨.૪૬ લાખ મતોથી જીત્યા હતા. રાજકોટ બેઠક હંમેશા ભાજપ માટે અડિખમ ગઢ રહ્યો છે. આટલું જ નહીં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હોમ ટાઉન પણ રાજકોટ છે. બીજી તરફ રાજકોટ લોકસભામાં સમાવિષ્ટ જસદણ વિધાનસભાના કદાવર કોંગી નેતાકુંવરજીભાઈ બાવળીયાના ભાજપમાં પ્રવેશ બાદ ભાજપ આ બેઠક પર વધુ મજબુત બન્યું છે.
જો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી લોકસભાની ચુંટણી લડે તો તેનો લાભ સૌરાષ્ટ્રની સાતેય લોકસભા બેઠકને મળી શકે છે. વિધાનસભાની ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું ખાસ્સુ ધોવાણ થઈ ગયું હતું. લોકસભાની ચુંટણીમાં આવું ન થાય તે માટે નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ચુંટણી લડે તેવું મનાઈ રહ્યું છે અને ૪ દાયકાના આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો રાજકોટ બેઠક ભાજપ માટે અડિખમ ગઢ માનવામાં આવી રહ્યો છે.