મતગણતરી કેન્દ્રના સીસીટીવી રેકોર્ડીંગના ફુટેજ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવા જસ્ટીસ ઉપાધ્યાયની મંજૂરી
વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા-ધંધૂકાની બેઠક પર ભાજપના વરિષ્ટ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ૩૨૪ મતની બહુમતીથી વિજય થયો હતો. ચુડાસમાના આ વિજયને કોંગ્રેસના પરાજીત ઉમેદવાર અશ્ર્વિન રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાલમાં ‚પાણી સરકારમાં કાયદામંત્રી તરીકે કાર્યરત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે આ કેસમાં કાયદાનો સંકજો ધીમેધીમે મજબુત બની રહ્યો છે.
આ કેસમાં સાક્ષી તરીકે આ ચૂંટણીના રીટર્નીંગ ઓફીસર અને હાલમાં અમદાવાદમાં ડે. કલેકટર તરીકે કાર્યરત ધવલ જાની ઉપસ્થિત થયા હતા. જાનીની જુબાનીની તપાસ ગઈકાલે અરજદારાના વકીલ દ્વારા કરવામાં આવી હતી. જે દરમ્યાન જાનીએ મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્રો પર લગાવવામાં આવેલા ચાલુ તમામ સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગનાં ફૂટેજ ડીવીડીમાં આપવાની તૈયારી દર્શાવી હતી.
જેથી આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે આ સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગના ફૂટેજ પૂરાવા તરીકે લેવાની મંજૂરી આપી હતી ઉપરાંત કોર્ટે આ કેસનાં તમામ પક્ષકારોને વધારા મુદાઓ પર દલીલો કરવાની છૂટ આપી છે. જેથી આજે હાઈકોર્ટમાં આ વધારાના મુદાઓ પર વિવિધ પક્ષકારોનાં વકીલો દલીલો કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ કેસમાં કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ફરતે ધીમેધીમે કાયદાનો સંકજો મજબુત બનતો જાય છે. તેમાં મહત્વનો મુદ્દો ગુમ થયેલા ૧૨૫ પોસ્ટલ બેલેટનો છે. રીટર્નીંગ ઓફિસરા જાનીએ તેની જુબાની દરમ્યાન મતગણતરી વખતે ૧,૨૩૧ પોસ્ટલ બેલેટ હોવાની જણાવ્યું હતુ. જયારે અરજદાર અશ્વિન રાઠોડને આપેલી લેખિત માહિતીમાં ૧,૩૫૬ પોસ્ટલ બેલેટ હોવાનું જણાવ્યું હતુ. ઉપરાંત જાની મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન સાથે લઈને વાતો કરતા હોવાનો મુદો પણ તેમના માટે મુશ્કેલી સર્જે તેવી સંભાવનાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપમાં છાનાખૂણે ચાલતી રાજકીય વર્ચસ્વની લડાઈમાં બ્રાહ્મણા વિરૂધ્ધ ક્ષત્રિયના જ્ઞાતિવાદના આધારે ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે આ કેસમાં મુશ્કેલી ઉભી કરવામાં આવી રહ્યાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ કેસમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્ય પદ રદ થાય તો તેમની રાજકીય કારકીર્દી પર અલ્પવિરામ મુકાય જાય તેવી સંભાવના હોય તેમના ભાજપમાં રહેલા રાજકીય હરીફો તેમને આ કેસમાં મુશ્કેલી ઉભી થાય તેવી જુબાનીઓ અપાવીને તમામ પ્રયાસો કરી રહ્યા છે.