૨૦૧૯ લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ મજબુત સ્થિતિમાં જયારે કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ
૨૦૧૯ની લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ હાલ મજબુત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે કારણકે તેમને ચુંટણી પૂર્વે જ મુખ્ય ચાર રાજયોમાં એટલે કે બિહાર, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આસામમાં ગઠબંધન કરવામાં સફળતા મળી હતી એટલે કહી શકાય કે હાલ ભાજપની ગઠબંધનને લઈ સ્થિતિ ખુબ જ મજબુત જોવા મળી રહી છે જયારે કોંગ્રેસ પક્ષ ગઠબંધન કરવામાં મહદઅંશે નિષ્ફળ નિવડયું છે અને તેની સ્થિતિ પણ ડામાડોળ જેવી થઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે.
હાલ વાત કરવામાં આવે તો ગઠબંધનથી પક્ષની સ્થિતિ મજબુત તો બની છે પરંતુ તેની નકારાત્મક અસર પણ જોવા મળી રહી છે કે ભાજપ પક્ષ થોડુંક નબળુ પડી રહ્યું છે જેના કારણે પક્ષ દ્વારા ગઠબંધન કરવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે આસામ રાજયની તો ભાજપ દ્વારા અસોમગના પરીષદ સાથે ગઠબંધન કર્યું હતું તે આ ચુંટણીમાં તેને ફાયદારૂપ સાબિત થશે. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીની વાત કરવામાં આવે ત્યારે ભાજપે આસામમાં ૧૪ બેઠકોમાંથી ૭ બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો.
જયારે કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા ડેમોક્રેટીક ફ્રન્ટ માત્ર ૬ બેઠકો ઉપર જ વિજય પ્રાપ્ત કરી શકયા હતા. એવી જ રીતે બિહારમાં પણ ભાજપે જનતાદળ સાથે ગઠબંધન કર્યું છે એટલે કહી શકાય કે બિહારની ૪૦ બેઠકો ઉપર ભાજપ અને જેડીયુ ૧૭ બેઠકો ઉપર ચુંટણી લડશે જયારે ૬ બેઠકો ઉપર રામવિલાસ પાસવાનની લોક જન શકિત પાર્ટી ચુંટણી લડશે ત્યારે ૨૦૧૪ના ઈલેકશનની વાત કરવામાં આવે તો ભાજપ અને એલજેપી બંને મળી ૩૧ સીટો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો.
એવી જ રીતે ભાજપ પક્ષે મહારાષ્ટ્રમાં શિવસેના કે જે સૌથી જુનો પક્ષ માનવામાં આવે છે તેની સાથે પણ ગઠબંધન કરી લીધું છે જેમાં ૪૮ બેઠકો ઉપર ભાજપ ૨૫ બેઠક અને શિવસેના ૨૩ બેઠક ઉપર ચુંટણી લડશે. જયારે ૨૦૧૪માં ભાજપે ૨૩ બેઠક ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો અને શિવસેના ૧૮ બેઠક ઉપર વિજય થઈ હતી એટલે કયાંકને કયાંક માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ માટે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે થયેલું ગઠબંધન પણ આ વખતની લોકસભાની ચુંટણીમાં ઘણોખરો ફાયદો કરાવશે.
જયારે તામિલનાડુમાં ભાજપ પક્ષે એઆઈએડીએમકે અને પીએમકે સાથે ગઠબંધન કર્યું છે જેમાં ભાજપ તામિલનાડુમાં ૩૯ બેઠકોમાંથી ૫ બેઠકો ઉપર ચુંટણી લડશે અને પોંડીચેરીમાં ૧ બેઠક ઉપર ચુંટણી લડે તેવી સંભાવના સેવાઈ રહી છે. ૨૦૧૪ના લોકસભાની ચુંટણીમાં એઆઈએડીએમકે ૩૭ બેઠકો ઉપર જીત હાંસલ કરી હતી જેમાં બીજેપી અને પીએમકેના ભાગે એક-એક સીટ આવી હતી.
ત્યારે આ તમામ સમીકરણોના આધારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે લોકસભાની ચુંટણી પૂર્વે જ ભાજપ તેના ગઠબંધનો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેથી જોવાનું એ રહ્યું કે, પક્ષ દ્વારા કરવામાં આવેલું ગઠબંધન કેટલાઅંશે પક્ષને ફળે છે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લેવામાં આવે તો ગઠબંધનમાં ભાજપ પક્ષ અવ્વલ નંબર ઉપર છે. જયારે કોંગ્રેસને હજી ગ્રેસીંગમાં પણ ફાફા પડી રહ્યા છે.