મંગલ અવસરે ‘અબતક’ના ફોટોગ્રાફર મનોજ દેસાઇનું દબદબાભેર સન્માન
વિવિધ ક્ષેત્રોમાં ચોકકસ પ્રકારની કવોલીફિકેશન ધરાવનાર વ્યકિતને પ્રમોશન અને વિશિષ્ટ પોસ્ટ આપવામાં આવે છે. સાધુઓના વિશ્વમાં પણ આ રીતે યોગ્ય મહાત્માઓને વિશિષ્ટ પદવી આપવામાં આવે છે. અમુક વર્ષોની સાધના બાદ મહાત્માની જ્ઞાનશકિત તથા તેની પુણ્યશકિતને ધ્યાનમાં લઈ તેઓને ચોકકસ ક્રમમાં પદવીઓ એનાયત કરવામાં આવે છે. જૈન સાધુ મહાત્માઓમાં જ્ઞાનનો મહિમા અનેરો છે તેઓ આખી જિંદગી જ્ઞાનની સાધના પાછળ જ વિતાવી દે છે.
વિશિષ્ટ યોગ્યતા ધરાવનારા મહાત્માઓને લાગલગાટ ૬ મહિનાની ઉગ્ર અને એકધારી તપસ્યાના અંતે સૌથી મુખ્ય આગમશ્રી ભગવતી સુત્રને ભણવાની રજા આપવામાં આવે છે. આવા આગમને ભણવું તે વિશિષ્ટ સૌભાગ્ય છે. આથી આ તકે તે મહાત્માને ગણી પદવી એનાયત કરવામાં આવે છે ત્યારબાદ જો વિશિષ્ટ યોગ્યતા જણાય તો તે મહાત્માને તમામ આગમો બીજાને ભણાવવાનો અધિકાર આપવામાં આવે છે. આગમો ભણાવવાનો અધિકાર એટલે જ પન્યાસપદ. પૂજય પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્વરજી મહારાજના બે શિષ્ય રત્નો મુનિરાજ જીવબંધુવિજયજી મહારાજ તથા મુનિરાજ દિવ્યયશવિજયજી મહારાજ બંનેને તેઓની વિશિષ્ટ યોગ્યતા જોઈ પૂજય પાઠ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત જયઘોષસુરીશ્વરજી મહારાજે ગણી પન્યાસપદ પ્રદાન કરવાનો નિર્ણય કર્યો તેઓના જ સુભાશિષથી ગઈકાલે બંને મહાત્માઓને ગણી પન્યાસ પદ ઉપર આરૂઢ કરવામાં આવ્યા હતા. આ અવસરે પૂજયપાદ કુશળ પ્રવચનકાર આચાર્ય ભગવંત સંયમ બૌઘ્ધિ સુરીશ્વરજી મહારાજે પણ ઉપસ્થિત રહી સૌના આનંદની અભિવૃદ્ધિ કરી હતી. સુયોગ્ય મહાત્માઓને જયારે સુયોગ્ય પદ મળે છે ત્યારે સોનામાં સુગંધ ભળે છે તે પદ દ્વારા મહાત્માઓનું ગૌરવ વધે છે અને તે સુયોગ્ય મહાત્માઓ દ્વારા પદની ગરીમા વધે છે. આવો ઉતમ અવસર જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે આવતા જ પૂજયપાદ આચાર્ય ભગવંતના માર્ગદર્શન હેઠળ તેને અનોખી રીતે ઉજવવાનું નિર્ધારીત કર્યું હતું. આ અવસરે વિશાળ ધનરાશીના સદવ્યય દ્વારા કેટલાક ઉતમ કાર્યો કરવાનું પણ નકકી કર્યું તેમાં ૩૬ જીવોને અભયદાન, ૩૬ પુજારી વગેરે ધર્મ મિત્રોનું સન્માન, ૩૬ શિક્ષકોનું સન્માન, ૩૬ સાધર્મિક પરિવારોનું બહુમાન, ૩૬ વિશિષ્ટ આરાધકોનું બહુમાન આવા અનેક નવતર આયોજનો કરવામાં આવ્યા હતા. આ સાથે બે-બે મહાત્માઓના પન્યાસપદ પ્રદાન પ્રસંગે રાજકોટ શહેરના મિડીયા કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ‘અબતક’ના ફોટોગ્રાફર મનોજભાઈ દેસાઈનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.