કાલાવડ રોડ પર પોલીસે ડ્રાઈવ ગોઠવી ત્રણ સ્થળે દરોડા પાડી સાતેય વિદ્યાર્થીના
મોબાઈલ કબ્જે કરાયા: રાજયમાં સૌપ્રથમ રાજકોટ પોલીસે કરી કાર્યવાહી
પબજી ગેમ રમવા પર રાજયભરમાં પ્રતિબંધ લાવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ કમિશનર અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી વિદ્યાર્થીઓને પબજી ગેમ પાછળ સમય બરબાદ કરતો અટકાવવા કરેલી આવકાર્ય કાર્યવાહીનો રાજકોટ પોલીસે સૌપ્રથમ અમલ કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી પબજી ગેમ અંગે ડ્રાઈવ ગોઠવી હતી. કાલાવડ રોડ પરના ત્રણ સ્થળે દરોડા પાડી પબજી રમતા સાત વિદ્યાર્થીઓને પોલીસે ઝડપી તેઓના મોબાઈલ કબજે કર્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગત તા.૬ માર્ચે પબજી ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડયું હતું. પબજી ગેમ મોબાઈલથી ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાના સમયે ગેમ રમતા હોવાથી પોતાનો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો હોવાથી તેમજ પબજી ગેમને કારણે વિદ્યાર્થીઓના માઈન્ડ વોશ થતા હોવાથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પબજી ગેમ રમતા વિદ્યાર્થીઓ પોતાની આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે અંગે સાવ અજાણ બની જતા હોય છે તેમજ ગેમ રમી રહેલાને કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે તે ઉશ્કેરાઈ ઝઘડો કરી લેતો હોવાથી ખતરનાક જણાતી પબજી ગેમના ચેપને આગળ વધતો અટકાવવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.
પબજી ગેમ અંગે બહાર પાડેલા જાહેરનામાનો અમલ કરાવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તાલુકા પોલીસ સ્ટાફે કાલાવડ રોડ પરના આત્મીય કોલેજ અને નેપ્ચ્યુન ટાવર ખાતે ડ્રાઈવ ગોઠવી હતી.
પોલીસે ગઈકાલે બપોરે ૩ થી સાંજના ૭:૩૦ વાગ્યા દરમિયાન પોલીસે પબજી ગેમ રમી રહેલા સાત વિદ્યાર્થીઓને ઝડપી તેને મોબાઈલ કબજે કર્યા છે. જેમાં બિગબજાર પાછળ ગુલાબ વિહાર સોસાયટીમાં રહેતા યશ ચિંતનભાઈ જોશીને કાલાવડ રોડ પરના જગન્નાથ ચોકમાંથી અને રામાપીર ચોકડી પાસે સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા માધવ કિરણભાઈ વ્યાસ, કાલાવડ રોડ પરના આત્મીય કોલેજ પાસેથી તાલુકા પોલીસ મથકના કોન્સ. હિરેનભાઈ સોલંકીએ પબજી ગેમ રમતા ધરપકડ કરી પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી છે.
મુળ જૂનાગઢના વતની અને રાજકોટમાં અભ્યાસ કરતા નીલ કિરીટભાઈ અઘેરા, સાધુ વાસવાણી રોડ પર રહેતા અર્નિશ શૈલેષભાઈ પંચાલ, મુળ ખંભાળીયાના આંબેડકરનગરમાં રહી અભ્યાસ કરતા કલ્પેશ કિશોર રાઠોડ અને મુળ જામજોધપુરના હરકિશન દેવશી બાંગદોરીયાને પબજી ગેમ રમતા તાલુકા પોલીસ મથકના કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજાએ ધરપકડ કરી તમામના મોબાઈલ કબજે કર્યા છે.