ડો.હેમાંગ વસાવડા, ધારાસભ્ય લલીત કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયા અને ધીરજ શીંગાળાના નામો હાલ ચર્ચામાં: ઓબીસીને ટિકિટ અપાઈ તો શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની મજબુત દાવેદારી
લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ મુરતીયા પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજકોટની બેઠક ફરી ફતેહ કરવા માટે આ વખતે કોંગ્રેસ ટકોરા મારીને ઉમેદવારની પસંદગી કરે તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ રાજકોટ બેઠક માટે કોંગ્રેસના પાંચ નામો ચર્ચામાં છે. ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાનું નામ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે જો પક્ષ ઓબીસીને ટિકિટ આપવાનું નકકી કરે તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર પર પસંદગીનું કળશ ઢોળાઈ શકે તેમ છે.
૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને સમ ખાવા પુરતી ગુજરાતમાં એક પણ બેઠક મળી ન હતી. આવામાં રાજકોટ બેઠક ફરી ફતેહ કરવા માટે આ વખતે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિ-જાતિ સહિતના તમામ સમીકરણો ધ્યાને લેવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર સીધી અસર કરતી રાજકોટ બેઠક પર કોંગ્રેસ મજબુત ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે. આજની તારીખે કોંગ્રેસમાં રાજકોટ બેઠક માટે ૫ નામોની ચર્ચા ચાલી રહી છે જેમાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગભાઈ વસાવડા, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વોરા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.દિનેશભાઈ ચોવટીયા અને ધીરજ શીંગાળાનું નામ હાલ ચર્ચામાં છે. આ ઉપરાંત અંદર ખાને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજય સરકારના પૂર્વ મંત્રી જયંતીભાઈ કાલરીયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ લગભગ તો લેઉઆ પટેલ સમાજમાંથી આવતા ઉમેદવારને જ મેદાનમાં ઉતારશે તે ફાઈનલ જેવું મનાઈ રહ્યું છે. ટંકારા-પડધરી બેઠકનો સમાવેશ પણ રાજકોટ લોકસભામાં થતો હોય વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે લલિતભાઈ કગથરા ચુંટાઈ આવ્યા હતા. આવામાં રાજકોટ લોકસભા બેઠક માટે હાલ ધારાસભ્ય લલિત કગથરાનું નામ સૌથી હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. તેઓની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાનું નામ પણ પેરેલલ ચાલી રહ્યું છે જો જ્ઞાતિ-જાતિના સમીકરણોના ચોકઠા ગોઠવવા પડે અને સૌરાષ્ટ્રની કોઈ એક બેઠક ઓબીસી સમાજને આપવાની વાત આવે તો કોંગ્રેસ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર પર પણ પસંદગીનું કળશ ઢોળી શકે છે.
કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકો દ્વારા અગાઉ ત્રણ વાર સમીક્ષા બેઠક યોજાઈ ચુકી હોય હવે લોકસભાની ચુંટણી માટે ઉમેદવાર નકકી કરવા માટે કોંગ્રેસ પ્રદેશમાંથી કોઈ નિરીક્ષકને લોકસભા વિસ્તારમાં મોકલશે નહીં. ઉમેદવારના નામની સીધી જાહેરાત દિલ્હીથી કરી દેવામાં આવશે.