અડગ મનનાં માનવીને હિમાલય પણ રોકી શકતો નથી
મોબાઈલ–લેપટોપની બેટરી, ભંગારની ચીજવસ્તુઓ અને કચરામાંથી બનાવ્યું ઈ–વ્હીકલ
કહેવત છે કે ‘જહાં ચાહ હૈ વહાં રાહ હૈ’ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એમ જો ઈચ્છાશકિત હોય તો વ્યકિત કોઈપણ કાર્યને સરળતાથી કરી બતાવે છે તેવી જ વાત સુરતમાં રહેતા ૬૦ વર્ષીય વિષ્ણુ પટેલની છે. તેઓ બાળપણથી જ પોલીયોગ્રસ્ત હોવાના કારણે દિવ્યાંગનું જીવન જીવી રહ્યા છે. અનેક મુશ્કેલીઓને પડકારો છતાં વિષ્ણુ પટેલે એવું કામ કરી બતાવ્યું જે સામાન્ય માનવીની કલ્પના કરતા પણ જુદુ તરી આવે છે. સુરતના વિષ્ણુ પટેલે બાઈકનો ભંગાર, લેપટોપ તેમજ સ્માર્ટફોનની બેટરી અને ફેંકી દીધેલી ઈલેકટ્રોનિક વસ્તુમાંથી ઈ-બાઈકનું નિર્માણ કર્યું.
વિષ્ણુ પટેલના દિકરા નિખીલ પટેલને પણ પોતાના પિતાના ઈનોવેશન પર ગર્વ છે. નિખીલ કહે છે કે, મારા પિતાએ કોઈપણ પ્રકારની પ્રોફેશ્નલ ટ્રેનીંગ લીધી નથી. તેઓ બાળપણથી જ પોલીયોગ્રસ્ત છે. દાદાએ તેમની સારવાર માટે ખુબ જ પ્રયત્નો કર્યા પરંતુ તેમની તબિયતમાં કોઈપણ ફેરફારો આવ્યા ન હતા અને તેઓ વધારે ભણી પણ નહોતા શકયા. તેઓએ નાનકડા રૂમમાં પોતાનું વર્કશોપ ચલાવે છે જેમાં તે કંઈકને કંઈક નવું સર્જન કરે છે અને સમાજને કંઈક નવું પીરસવાની ભાવના ધરાવે છે.
આમ તો સુરતનો પટેલ પરીવાર કોપર વાયરીંગ ડાયીંગનો ધંધો કરે છે. આ વ્યવસાયની શરૂઆત વિષ્ણુ પટેલે જ શરૂ કર્યો હતો જેને હવે દિકરો નિખીલ પટેલ સંભાળી રહ્યો છે. તેઓ કારખાના ઉપરાંત ઘરમાં મિનરલ વોટર પહોંચાડવાનો પણ વેપાર કરે છે.
નિખીલે એક પ્રસંગને વાગોળતા કહ્યું હતું કે, ૩ થી ૪ વર્ષ પહેલા તેના પિતા મથુરાના પ્રવાસે ગયા હતા ત્યાં તેમને એક દેશી જુગાડવાળુ બાઈક જોયું બાઈકના પાછળના ભાગમાં પીકઅપ ટ્રક જેવો આકાર ધરાવતી ટ્રોલી જોડવામાં આવી હતી ત્યારથી જ તેમને આ પ્રકારનો વિચાર આવ્યો કે તેઓ પોતે આ પ્રકારનું કાંઈક ક્રિએશન કરી શકે છે.
વિષ્ણુ પટેલ મુખ્ય પાણી પહોંચાડવાનો બિઝનેસ કરે છે અને તેમાં તેમને ફાયદો થાય અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટે તેના માટે વિષ્ણુ પટેલે એક ટ્રોલી બાઈક બનાવી હતી ત્યારબાદ તેમને ઈ-બાઈકનું નિર્માણ કર્યું. જાણીને નવાઈ લાગશે પરંતુ વિષ્ણુ પટેલ માત્ર પાંચ ચોપડી અભ્યાસ કરેલ છે. પરંતુ બાળપણથી જ મીકેનીકલ કામમાં રસ ધરાવતા વિષ્ણુ પટેલ જીવનના અનેક સંઘર્ષો સામે લડી ચુકયા છે. તેઓ કોઈપણ ઈલેકટ્રોનિક અને મિકેનીકલ કચરાને ફેંકતા નથી પરંતુ તેમાંથી નવસર્જન કરે છે. તેમણે દિવ્યાંગોને ઉપયોગી બને તેવું ઈનોવેટીવ વ્હીકલ બનાવ્યું છે.