મિલકત સીલીંગની કાર્યવાહી કરતા રૂ.૨૭ લાખની વસુલાત ટેકસની આવકનો આંકડો ૨૦૦ કરોડને પાર
ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા રૂ.૨૪૬ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટેકસ બ્રાંચે નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં જોરશોરથી ધોકો પછાડવાનું શરૂ કર્યું છે. દરમિયાન આજે શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં ૬૬ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી જયારે ૧૪ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. સીલીંગની કાર્યવાહી કરતા બપોર સુધીમાં ૨૭ લાખની આવક થવા પામી છે. ટેકસની વસુલાતનો આંક આજે ૨૦૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે.
સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૭માં પેલેસ રોડ પર, વોર્ડ નં.૧૩માં ગોકુલનગર, વોર્ડ નં.૧૭માં યોગેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એરિયા, અટીકા ઈન્ડસ્ટ્રીયલ એરિયા સહિતના વિસ્તારોમાં રીકવરીની કામગીરી દરમિયાન ૮ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે ૧૪ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. રૂ.૮.૩૭ કરોડની વસુલાત થવા પામી છે.
વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૧૦માં ક્રિસ્ટલ મોલમાં ત્રીજા માળે હાર્દિક કોટેચાની મિલકત, આકાશવાણીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં.૪૭/૧૯૯ અને કવાર્ટર નં.૨/૧૯, વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં માધવ મિલન કોમ્પ્લેક્ષમાં સંજય પટેલના નામે નોંધાયેલી દુકાન નં.૧ થી ૩ સહિત કુલ ૬ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી અને બપોર સુધીમાં ૯.૧૨ લાખની વસુલાત થવા પામી છે.
ઈસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા મોરબી રોડ, નવાગામ ચોકડી, નવાગામ પેડક રોડ, સંતકબીર રોડ, સદગુરુ કોમ્પલેક્ષ, આજી જીઆઈડીસી, સોરઠીયાવાડી, જંગલેશ્વ રોડ, શ્રીહરી સ્વાતિ પાર્ક સહિતના વિસ્તારોમાં ૫૨ મિલકતો સીલ કરવામાં આવી હતી. સીલીંગ દરમિયાન ૧૦.૧૮ લાખની વસુલાત થવા પામી છે.