લોકસભાની ચુંટણીની આચારસંહિતા ઉઠે તે પહેલા જ બ્રિજ ખુલ્લો મુકી દેવાય તેવી સંભાવના
શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રૈયા ચોકડી બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે.
દરમિયાન મવડી ઓવરબ્રિજનું કામ આગામી એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે બીજી તરફ કામ પૂર્ણ કરવાની મુદત વિતી ગઈ હોવા છતાં કામ પૂર્ણ થતા એજન્સીને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મવડી ઓવરબ્રિજનું કામ આગામી એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. ૨૩ એપ્રિલના રોજ ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ આચારસંહિતામાં થોડી છુટછાટ આપવાની માંગણી કરવામાં આવે તેવી પણ શકયતા જણાઈ રહી છે અને સતાવાર રીતે આચારસંહિતા ઉઠે તે પૂર્વે જ મવડી બ્રિજનું વિધિવત લોકાર્પણ પણ કરી દેવામાં આવશે.
અગાઉ કામમાં ઢીલ રાખવા સબબ રાકેશ કન્સ્ટ્રકશન નામની એજન્સીને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકારાયા બાદ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા શો-કોઝ નોટીસ પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ, કોઠારીયા સોલવન્ટ સહિતના સ્થળોએ બ્રિજ બનાવવા માટે કન્સ્લ્ટન્ટની નિમણુક કરવા ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે.