મતગણતરીના વિડીયો ફૂટેજમાં રીટર્નીંગ ઓફિસર જાની મોબાઈલ ફોનમાં વાતચીત કરતા નજરે ચડતા હાઈકોર્ટના જસ્ટીસ ઉપાધ્યાયે નોંધ લઈને ચૂંટણી પંચના પ્રતિબંધ છતા જાની મોબાઈલ ફોન લઈને મતગણતરી કેન્દ્રમાં કેવી રીતે ગયા અને કોની સાથે વાત કરતા તેની કોલ ડીટેઈલ કઢાવવા તાકીદ કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા ફરતે કાયદાનો સંકજો મજબુત બની રહ્યો છે
ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ધોળકાની બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલની સરકારમાં વરિષ્ઠમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો માત્ર ૩૨૪ મતોથી વિજય થયો હતો. આ મતગણતરી દરમ્યાન રીર્ટનીંગ ઓફિસરે બેલેટ પેપરના મતોને ધ્યાનમાં લીધા વગર ચુડાસમાને વિજયી જાહેર કર્યાના આક્ષેપ સાથે હારેલા ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં આ જીતને પડકારી હતી.
હાઈકોર્ટમાં ચાલી રહેલી આ અરજીની સુનાવણી રોકવા માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હાઈકોર્ટને આ અરજીની સુનાવણી યોજવા સક્ષમ ન હોવાનું તથા હાઈકોર્ટ રાજકીય પૂર્વગ્રહથી પોતાનો નિર્ણય આપી શકે છે તેવું સોગંદનામું પણ સુપ્રીમ કોર્ટમાં કર્યું હતુ સુપ્રીમકોર્ટે ચુડાસમાની આ અરજીને કાઢી નાખીને આ કેસમાં હાઈકોર્ટના નિર્ણય બાદજ કેસ હાથ પર લેવાનું જણાવ્યું હતુ.
જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની ફરીથી સુનાવણી ચાલી રહી છે આ કેસમાં સાક્ષી તરીકે ઉપસ્થિત રહેલા તાત્કાલીન રીટર્નીંગ ઓફિસર અને હાલમાં અમદાવાદના ડેપ્યુટી કલેકટર ધવલ જાની પહેલા હાઈકોર્ટનાં આદેશ છતા મતગણતરીની કાર્યવાહીના વિડિયો ફૂટેજ લઈને ઉપસ્થિત થયા ન હતા. જેથી આ કેસની સુનાવણી કરતા જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે તેમની આકરી ઝાટકણી કાઢી ને વિડિયો ફૂટેજ સાથે આવવા તાકીદ કરી હતી.
જેથી ડેપ્યુટી કલેકટર જાની વિડિયો ફૂટેજ સાથે હાઈકોર્ટમાં ઉપસ્થિત થયા હતા. આ વિડિયો ફૂટેજની ચકાસણીમાં મતગતરી દરમ્યાન જાની મોબાઈલ ફોન પર વાતચીત કરતા જોવા મળ્યા હતા. જેથી જસ્ટીસ ઉપાધ્યાયે આ મુદાની નોંધ કરીને ચૂંટણી પંચના નિયમો અનુસાર મતગણતરી કેન્દ્રો પર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં જાની કેમ મોબાઈલ લઈ ગયા તેની પુચ્છા કરી હતી જજે જાનીના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવવાનો આદેશ કરીને આ સમયે જાનીએ કોની સાથે વાતચીત કરી હતી તેની વિગતો કઢાવવા તાકીદ કરી છે.
કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં ચાલતી આ કેસની સુનાવણી રોકવાના કરેલા સોગંદનામા પર હાઈકોર્ટમાં ચાલનારી કાર્યવાહીર પર શંકા ઉભી કરી હતી જેની જસ્ટીસ ઉપાધ્યાયે આકરી નોંધ લઈને ભુપેન્દ્રસિંહ પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે જો કાયદામંત્રીને હાઈકોર્ટ પર વિશ્વાસ ન હોય હાઈકોર્ટ બંધ કરી દે, જેથી આ કેસમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાલના તબકકે ચારે તરફથી ઘેરાયેલા હોય તેમનું ધારસાભ્ય પદ રદ થવાની શકયતાઓ કાયદા નિરીક્ષકો જોઈ રહ્યા છે.