આત્મીય કોલેજના હોલમાં સંસ્કારભારતી દ્વારા યોજાયો સંસ્કારોત્સવ: શહીદ વંદના કાર્યક્રમમાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ
કલાક્ષેત્રમાં વધતા ભળેલા વ્યવસાયિક મૂલ્યો અને અતિમહત્વાકાંક્ષીપણા અંગે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કલા એ પ્રવૃત્તિ નથી પણ એક પ્રકારની સાધના અને તપશ્ચર્યા છે. કલાકાર એ કલાની સાધના કરતો સાધક છે.
અહીં આત્મીય કોલેજના હોલમાં સંસ્કાર ભારતી દ્વારા યોજાયેલા સંસ્કારોત્સવ ૨૦૧૯ શહીદ વંદના કાર્યક્રમમાં અધ્યક્ષીય પ્રવચન આપતા કોહલીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં ૬૪ પ્રકારની કલાઓ ઉલ્લેખ છે. કોઇ પાનવાળો સારી રીતે પાન બનાવે તો તે પણ એક પ્રકારની કલા છે.
સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ જેવી અનુભૂતિ કલામાં થવી જોઇએ. જો કલામાં તે તત્વ ના હોય તો તે ભાવક સાથે જોડાતી નથી. કોહલીએ જણાવ્યું કે કોઇ પણ દેશનો એક ઇથોસ (મૂળ ચેતના) હોય છે. આ ઇથોસને જાળવી રાખવાનું કામ કલા અને સાહિત્ય કરે છે. કલા અને સાહિત્ય નવચેતનાનો અવસર પ્રદાન કરે છે. પીડાગ્રસ્ત સમાજને આશાનું કિરણ દેખાડે છે.
સંસ્કાર પ્રાંતના અધ્યક્ષ ડો. રાજુભાઇ પરમારે આ અવસરે જણાવ્યું કે, કલા અને સાહિત્ય વીનાનું જીવન પશુ સમાન છે. વિશ્વમાં જ્યારે પશુવત્ત જીવન હતું ત્યારે, ભારતવર્ષમાં સંસ્કૃતિ, કલા અને સાહિત્ય હતું. આજે વડીલો ફરિયાદ કરે છે કે યુવા પેઢી કલા અને સાહિત્યથી વિમુખ થઇ રહી છે. ત્યારે, સંસ્કાર ભારતી કલા અને સાહિત્યને પ્રોત્સાહન આપી તેને લોકાભિમુખ કરવાનું કાર્ય કરી રહી છે.
કાશ્મીરમાં વીરગતિને પામેલા જવાન મહાનુભાવો દ્વારા સ્વ. કરમસિંહ ધીરુભા ડાભીના પરિવારનું સન્માન કરી શહીદ વંદના કરવામાં આવી હતી. જ્યારે, મનન ભટ્ટે પોતાના કારગીલ યુદ્ધ પરનું પુસ્તક મહાનુભાવોને અર્પણ કર્યું હતું. આ વેળાએ જગદીશભાઇ ત્રિવેદી, ચંપકભાઇ મોદી, હસમુખભાઇ પાટડિયા, નટુભાઇ ટંડેલ, માયાબેન દીપક, શિવાસી ભોયે, અજયસિંહ ચૌહાણ, મહેશભાઇ ગઢવી, રક્ષાબેન શુક્લ, ભાવિનભાઇ પટેલ, દિગ્વિજયસિંહ ચૌહાણ અને દ્રવિતા ચોક્સીનું માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.