હેમુગઢવી હોલ ખાતે સાત સુરોની સુરાવલીમાં સંગીત સંધ્યા બની સપ્તરંગી: શ્રોતાઓ મન મૂકીને ડોલ્યા
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ પ્રવૃતિ વિભાગ-ગાંધીનગર અને જીલ્લા રમત ગમત કચેરી રાજકોટના ઉપક્રમે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત સંગીત સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ ગુજારતી સુગમ સંગીત, કાવ્ય સંગીત, ભજન અને લોક ગીત સાથોસાથ છતીસગઢના લોક કલાકારોએ કલાના કામણ પાથર્યા હતાં.
આ પ્રસંગે ઉપસ્તિથ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રુપાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, દેશનો સાંસ્કૃતિક વારસો, લોકજીવન અને લોકસંગીત ભારતને જોડવાનું કાર્ય કરે છે. છતીસગઢ રાજ્ય શિક્ષણની સાથોસાથ કલા ક્ષેત્રે પણ ઉચ્ચ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ગુજરાત સરકારનો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધન માટે આ પ્રકારે કાર્યક્રમોનું સતત આયોજન કરતા રહે છે જે ખુબ જ પ્રેરણાદાયી કાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન તુષાર જોશી એ સુંદર રસાળ શૈલીમાં કર્યુ હતું. સંગીત સંધ્યાનો પ્રારંભ શ્લોક ગાન સાથે થયો હતો. કવિ અવિનાશ વ્યાસ, રમેશ પારેખ સહીત નામી કવિઓની રચનાઓ એક પછી કલાકારો દ્વારા રજુ કરવામાં આવી હતી. જેમાં માડી તારું કંકુ ખર્યું…, પાંદડું લીલું ને રંગ રાતો… કાવ્ય ગીત, રાખના રમકડા મારા રામે…, વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજનો. હું તું તું… મેડલી સોંગ સહીત વિવિધ રચનાઓ રજુ કરાતા શ્રોતાઓ ડોલી ઉઠ્યા હતાં. છતીસગઢના પદ્મશ્રી કલાકાર મીના શાહુએ તાનપુરા અને સંગીત વૃદના સહારે રસાળ શૈલીમાં મહાભારતના પ્રસંગો વર્ણવી શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવ્યાં હતાં.
જાણીતા લોક સાહિત્યકાર બિહારીદાન ગઢવીએ ભજનો દુહા છંદના સથવારે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરી હતી. નયનભાઇ પંચોલી, સુશ્રી કલ્યાણી કોઠાળકર, ઇન્દિરા શ્રીમાળી, શ્રી મનીષી રાવલ, શ્રી બીપીનભાઇ શ્રીમાળી અને સંગીત વૃંદ પોતાની કલાનો જાદુ પાથરતા શ્રોતાઓ સુર તાલના સથવારે રસતરબોળ બન્યા હતાં.
સંગીત સંધ્યામાં મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ,અંજલીબેન રૂપાણી, અશ્વિનભાઈ મોલીયા, દલસુખભાઈ જાગાણી, ગુણવંતભાઇ ડેલાવાળા, જયેશભાઈ ઉપાધ્યા, વિ.પી. જાડેજા તેમજ પ્રવિણાબેન પાંડાવાદરા તેમજ મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.