વીરપુરની ગૃહણીઓમાં રોષની લાગણી પ્રસરી…
લ્યો..બોલો વીરપુર ગામ જેતપુર તાલુકા માં અને રાંધણ ગેસના સિલિન્ડર મેળવવાના ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં…!
વીરપુરના ભારત ગેસના ગ્રાહકોની સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ
ગરીબોને અમોએ ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપીને ગરીબ માતાઓને ચૂલાના ઝેરી ધુમાડાથી અમોએ મૂકતી આપી તેવી પ્રધાનમંત્રી જોરશોરથી જાહેરાતો કરે છે જયારે વાસ્તવમાં વીરપુર પંથકમાં મોટા ભાગના ગરીબો યોજનાના ફોર્મ તો ભર્યા પણ હજુ ગેસ કનેક્શનથી વંચીત છે. પ્રધાનમંત્રી મોદી પોતાના દરેક ભાષણમાં દેશમાં ત્રણ કરોડ જેટલાં ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ સાવ નિઃશુલ્ક ગેસ કનેક્શન અમોએ આપી ગરીબ માતાઓને ચૂલાના ઝેરી ધુમાડાથી મૂકતી અપાવી તેવો જોરશોરથી પ્રચાર કરે છે.
પરંતુ ખરી વાસ્તવિકતા જોવા જઈએ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામના લાભાર્થીઓને ઘણા સમયથી ગેસ કનેક્શન તેમજ ગેસ સિલિન્ડર ટાઇમસર ફાળવવામાં આવતા નથી તેવી રાવ ઉઠવા પામી છે.વીરપુર જલારામ ગામના અનેક લોકોએ જેતપુર તેમજ ગોંડલ તાલુકાના ગોમટા ગામની ગેસ એજન્સીઓમાં ગેસના બાટલા મેળવવા અરજીઓ કરી ફોર્મ ભરી જરૂરી કાગળો આપી જરૂરી કાર્યવાહી કરેલ છે આમ છતાં પણ લાંબા સમયથી હજુ સુધી ગેસ કનેક્શન થી વીરપુર ગામના અનેક લોકો વંચિત છે.
વીરપુર ભારત ગેસના 2000 જેટલા ગેસ કનેક્શન પહેલા જેતપુરની ગેસ એજન્સીઓ નીચે આવતા પણ એકાએક કોઈપણ જાતની ગ્રાહકોને જાણ વગર જ વીરપુરના ભારત ગેસના ગ્રાહકોને ગોંડલ તાલુકાના ગોમટા ગામની શુભ ગેસ એજન્સીમાં ફેરવી દેવાતા ગ્રાહકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે,આ શુભ ગેસ એજન્સી ગોમટા હેઠળ આવતા અનેક ગ્રાહકોને કાતો ગેસના બાટલા બુક નથી થઈ રહ્યા તો કેટલાક લોકોને સરકાર તરફથી આવતી ગેસ બાટલાની સબસીડી નથી મળી રહી, કેટલાઈ ગ્રાહકોએ અનેકવાર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાં શુભ ગેસ એજન્સી દ્વારા તમારૂ કનેક્શન મલ્ટીબ્લોક છે કે ઉપર થી બંધ છે.
તેવા બાહના બનાવીને ગ્રાહકોને જેતપુર મામલતદાર કે ગોંડલ મામલતદાર કચેરી જાઓ તેવા ધરમના ધક્કા ખવડાવાય છે તો ગ્રાહકો જ્યારે જેતપુર પુરવઠા મામલતદારને આ વિષે ફરિયાદ કરવા જાય ત્યારે જેતપુર પુરવઠા મામલતદાર દ્વારા એવું કહેવામાં આવે છે તમે ગોંડલ તાલુકાના ગોમટા ગામની ગેસ એજન્સીમાં તમારા કનેક્શન હોય તમે ગોંડલ પુરવઠા મામલતદારને ફરિયાદ કરો ત્યારે ગોંડલના પુરવઠા મામલતદારને પૂછતાં તેમણે પણ એકબીજા જાણે ખો-ખો રમત રમતા હોઇ તેમ જણાવ્યું હતુ કે ગોંડલ મામલતદારને આ બાબતે પૂછો જ્યારે ગોંડલ મામલતદારને પૂછતાં તેમણે ગોંડલ પુરવઠા મામલતદારને આ બાબતે પૂછો તેવો જવાબ આપ્યો હતો.
વીરપુર ગામના ભારત ગેસના ગ્રાહકો ગોંડલ તાલુકાના ગોમટા ગામની શુભ ગેસ એજન્સીમાં આવે જ્યારે વીરપુર ગામ જેતપુર તાલુકામાં આવતું હોવાથી વીરપુર ગામની સ્થિતી તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે, કેટલાક ગ્રાહકોને તો ન છૂટકે બ્લેક એટલે કે કાળા બજારના બાટલા લેવાની ફરજ પડે છે,આ ગેસ કનેક્શન બાબતે વિરપુર ગામના રહેવાસી નાથાભાઈ હીરાભાઈ ચાવડા દિવ્યાંગ (અંધ) એ જણાવ્યું હતુ.
ઉજ્જ્વલા યોજનાની જ્યારથી શરૂઆત થઈ ત્યારે તેમણે જેતપુર ખાતે સૌરાષ્ટ્ર ગેસ એજન્સી તેમજ શિવમ ગેસ એજન્સીમાં ફોર્મ ભરેલ લાંબા સમય બાદ તપાસ કરતા તમોએ બે એજન્સીમાં નોંધણી કરેલ હોઈ તમને ક્યારેય ગેસ કનેકશન મળી શકશે નહીં તેવો જવાબ ગેસ એજન્સીઓ દ્વારા મળેલ હતો આ બાબતે નાથાભાઈએ મામલતદારશ્રી જેતપુર તેમજ પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાને મૌખિક તેમજ ટેલિફોનિક રજુઆત કરેલ છતાં આજ સુધી તેમને ગેસ કનેકશન મળેલ નથી.
ઘણા ખરા રાશનકાર્ડ પર મળતું કેરોસીન પણ બંધ થઇ જતાં ગ્રાહકોને ટાઇમસર ગેસના બાટલા મળે અને ઉજ્જ્વલા યોજનાનો લાભ મળતા લાભાર્થીઓને ઝડપથી ગેસ કનેક્શન મળે તેવી વીરપુર પંથકમાં લોકમાંગ ઉઠી છે તેમજ સરકારી તંત્ર તેમજ પુરવઠા વિભાગ દ્વારા તાનાશાહી ચલાવતા ગેસ એજન્સીઓની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો ગેસના બાટલાંનું મોટું કૌભાંડ પકડાઈ તેવી સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર ગામમા લોકમુખે ચર્ચાઓ જાગી છે.