સંસદીય દળની બેઠકમાં લેવાયો નિર્ણય: ભાજપ ૩૯ પક્ષો સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડશે
રાજકોટની બેઠક ઉપરથી વડાપ્રધાન ચુંટણી લડે તેવી વહેતી થયેલી વાત પર મુકાયો પૂર્ણ વિરામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ બેઠક પરથી લોકસભાની ચુંટણી લડશે તેવી વાતો વહેતી થઇ છે. પરંતુ આ વાત પર હવે પુર્ણ વિરામ લાગી ગયું છે. ગઇકાલે મળેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચુંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપ પક્ષ અન્ય ૩૯ પક્ષો સાથે ગઠબંધન કરીને ચુંટણી લડવાનો હોવાનું પણ જાહેર કરાયું છે.
ભાજપની સંસદીય બોર્ડની દિલ્હીમાં મળેલી કારોબારીમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી જ ફરીવાર ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરાઈ છે. બેઠકમાં કેટલાક રાજ્યોના ગઠબંધન અંગે પણ નિર્ણય લેવાયા છે.
ભાજપે હવે સિક્કિમમાં લોકસભા અને વિધાનસભામાં સત્તારૂઢ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (એસડીએફ)ને છોડી દેવાનું અને રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ પીએસ ગોલેની આગેવાની હેઠળના સિક્કિમ ક્રાંતિકારી મોરચા સાથે ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે. ઉત્તર-પૂર્વ ભારતનો હવાલો સંભાળતાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ અને ગોલે વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી એક બેઠકમાં આ ગઠબંધન રચાયું હતું. સિક્કિમમાં ભાજપના ઇન્ચાર્જ નીતિન નાબિનને એક અહેવાલમાં એમ કહેતાં ટાંકવામાં આવ્યું છે કે બન્ને પક્ષો ટૂંકમાં જ બેઠક-વહેંચણીની વિગતો જાહેર કરશે.
બન્ને પક્ષોએ સિક્કિમમાં આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે. હાલમાં એસડીએફના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ વિધાનસભાની ૩૨ બેઠકો ધરાવતા સિક્કિમના ૧૯૯૪થી સુકાની છે. જોકે હવે એસકેએમ અને ભાજપ વચ્ચેનું ગઠબંધન બન્ને વિન-વિન સિચ્યુએશન જેવું છે. અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં એસકેએમ ૧૦ સીટો જીતી લાવી હતી. પરંતુ તેના સાત ધારાસભ્ય પક્ષપલટો કરીને એસડીએફમાં જોડાઇ ગયા હતા.
આમ કુલ ૩૯ પક્ષો સાથે ગઠબંધન કરીને લોકસભાની ચુંટણી લડવાનું ભાજપ દ્વારા નકકી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની બેઠક પરથી લોકસભાની ચુંટણી લડવાના હોવાની વાતો વહેતી થઇ હતી. પરંતુ ઉતરપ્રદેશમાં ભાજપની લહેર કાયમ રાખવા માટે વડાપ્રધાન વારણસીની બેઠક પરથી લોકસભાની ચુંટણી લડવાનાં હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.