વોર્ડ નં.૧,૭,૯,૧૦,૧૨,૧૩ અને ૧૭માં બનાવાશે મહિલાઓ માટે ટોયલેટ: પેપર નેપકીન, સેનેટરી પેડ વેડીંગ મશીન સહિતની સુવિધાઓ હશે ઉપલબ્ધ
રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પીપીપીના ધોરણે શહેરના ૭ વોર્ડમાં મહિલાઓ માટે ખાસ ટોયલેટ બનાવવામાં આવશે. કુલ ૧૨ સ્થળે મહિલા ટોયલેટ બનશે જેમાં સેનેટરી પેડ વેડીંગ મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે આ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૧, ૭, ૯, ૧૦, ૧૨, ૧૩ અને ૧૭માં સર્વેશ્વર ચોક, અખા ભગત ચોક, અટીકા, અમરદીપ ફાઉન્ડ્રી પાસે, ચંદ્રેશનગર હોકર્સ ઝોન, સાધુ વાસવાણી રોડ હોકર્સ ઝોન, રામાપીર ચોકડી, રૈયા ટેલીકોમ એકસચેન્જ, ઈન્દિરા સર્કલ બ્રિજ, ભગતસિંહ ગાર્ડન, કાલાવડ રોડ પર પાણીના ટાંકા પાસે, મવડી બ્રિજ પાસે અને વાવડીમાં ગોંડલ રોડ ચોકડી પાસે મહિલાઓ માટે ખાસ ટોયલેટ બનાવવામાં આવશે.
આ ટોયલેટમાં વોશ બેસીન, ઈન્ડિયન અને યુરોપીયન ટાઈપ ટોયલેટ વીથ બાથરૂમ, ચિલ્ડ્રન ટોયલેટ, એર ફેસનર, પેપર નેપકીન, ઈલેકટ્રીક હેન્ડ ડ્રાયર, સેનેટરી પેડ વેડીગ મશીન સહિતની સુવિધાઓ હશે. આ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા છે. પીપીપીના ધોરણે મહિલાઓ માટે બનનારા આ ખાસ ટોયલેટમાં કોન્ટ્રાકટરને જાહેરાતના હકક આપવામાં આવશે. આગામી ૨૮મી માર્ચના રોજ ટેન્ડરની મુદત પૂર્ણ થશે.