સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત: રાણીંગા વાડી ખાતે બેઠક
લોકસભા ચુંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી લોકસભાની તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલવવા માટે ભાજપે જોરશોરથી ચુંટણીલક્ષી તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભા ચુંટણીના ગુજરાતના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓની અધ્યક્ષતામાં સવારે ૧૦ થી ૧૨ દરમિયાન શહેરની રાણીંગા વાડી ખાતે રાજકોટ લોકસભા બેઠક માટે સમીક્ષા યોજાઈ હતી. જેમાં સંગઠનના હોદેદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચુંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે વલસાડ, નવસારી અને સુરત લોકસભા બેઠક માટે સમીક્ષા બેઠકો યોજાયા બાદ આજે રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક માટે સમીક્ષા બેઠકો યોજવામાં આવનાર છે. આજે સવારે લોકસભા ચુંટણી માટેના ભાજપના ગુજરાત પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુરની અધ્યક્ષતામાં શહેરની રાણીંગા વાડી ખાતે રાજકોટ લોકસભા માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં રાજકોટ લોકસભા પર કઈ રીતે ફરીથી તોતીંગ લીડ સાથે વિજેતા બની શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ટોચના નેતાઓ દ્વારા સ્થાનિક સંગઠનના હોદેદારો અને કાર્યકરોને ચુંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. બપોરે ૪ કલાકે સુરેન્દ્રનગર લોકસભા માટે ભાજપની સમીક્ષા બેઠક યોજાશે.