બે આંચકા અનુભવતા ભયભીત થયેલા લોકો ઘરની બહાર દોડી ગયા
કેશોદ, મેંદરડા, તલાળા અને માળીયા પંથકમાં ધરતીકંપ નોંધાયો છે. પ્રથમ ૩.૫ અને ત્યારબાદ ૩.૪ની તિવ્રતાનાં ભૂકંપનાં કારણે ભયભીત થયેલા લોકો ઘરની બહાર સુરક્ષીત જગ્યાએ દોડી ગયા હતા.
તલાળા પંથકમાં ગઈકાલે બપોરે ૧૨ કલાકે ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું એપી સેન્ટર તલાલાથી ૧૩ કી.મી. દૂર નોર્થ ઈસ્ટ દિશામાં નોંધાયું હતુ.
આ સાથે બપોરે ૨.૩૭ મીનીટે બીજો આંચકો પણ આવ્યો હતો. જેની તિવ્રતા ૩.૪ની હતી. તેનુ એપી સેન્ટર તલાળાથી ૧૫ કિ.મી.દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતુ.
પ્રથમ આંચકો જમીનના ભૂગર્ભભાં ૭.૨ કીમી અને બીજો આંચકો ૨.૨ કીમી જમીનની ઉંડાઈથી આવ્યો હોય તાલાળા ઉપરાંત આકોલવાડી, હડમતીયા, ધાવા હરીપૂર, ચિત્રાવડ, હિરણવેલ સાંગોદ્રા સહિતનાં ૨૫થી ૩૦ ગામોમાં તેની અસર નોંધાઈ હતી.
માળીયા હાટીના તાલુકાના જલંધર, દેવગામ, અમરાપર, કાત્રાસા સહિતના ગામોમા પણ ૧૨.૫ મીનીટે ૩.૫ની તીવ્રતાનો આંચકો જયારે મેંદરડામાં બપોરે ૧૨ અને ૨.૩૫ કલાકે તેમજ કેશોદમાં બપોરે ૩.૩૦ કલાકે આંચકો નોંધાયો હતો. આ આંચકાના કારણે લોકો ભયભીત બનીને ઘરની બહાર સુરક્ષીત સ્થળે દોડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ આચકાથી મકાનો પર ધણધણી ઉઠ્યા હતા. મકાનોની અભેરાઈએ પડેલા વાસણો નીચે ગબડી પડયા હતા. જોકે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી.