કલાકો સુધી મુખ્યમંત્રી સાથે મિટિંગના ધમધમાટ બાદ અંતે રાજીનામુ આપ્યું : વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને ૭૨
નાની સિંચાઈ યોજનામાં લાંબો જેલવાસ ભોગવ્યા બાદ જામીન મુક્ત થયેલ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ આજે પૂર્વાનુમાન મુજબ રાજીનામુ ધરી દઈ ભાજપનો કેસરિયો ધારણ કરવા સજ્જ થઈ ગયા છે. લોકસભા ચૂંટણી પૂર્વે જ તડજોડની રાજનીતિમાં ભાજપ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને ખેડવી નાખતા રાજકારણ ગરમાયુ છે અને લોકસભા ચૂંટણીની સાથે – સાથે જ વિધાનસભા ચૂંટણી યોજવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.લોકસભા ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતની ૨૬ બેઠકો કબ્જે કરાવે મરણીયા પ્રયાસો તેજ કર્યા છે અગાઉ કોંગ્રેસના પીઢ અગ્રણી અને કોળી મતદારો ઉપર મજબૂત પકડ ધરાવતા કુંવરજીભાઇ બાવળિયાને પંજો છોડાવી ખેસ પહેરાવવામાં સફળ રહેલ ભાજપે આજે હળવદના ધારાસભ્ય અને કોળી અગ્રણી પરસોતમભાઈ સાબરીયાને ભાજપમાં લેવામાં સફળ રહી છે આજે બપોરે બાદ મુખ્યમંત્રી સાથે મેરેથોન બેઠક બાદ ધારાસભ્ય સાબરીયાએ ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સુપરત કરવા જઇ રહ્યા છે. અને વિધિવત રીતે ભાજપનો ખેસ પણ પહેરી લેનાર હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપનો ગઢ ગણાતા મોરબી જિલ્લામાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ઉદ્યોગપતિ પરસોત્તમભાઈ સાબરીયા હળવદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવી ભાજપની પરંપરાગત વર્ષો જૂની બેઠક આંચકી લીધી હતી. જો કે કુટનીતિમાં માહેર ભાજપ સરકારની ચાલ સામે સીધા સાદા ગણાતા પરસોત્તમભાઈ સાબરીયા નાની સિંચાઈ યોજનામાં શિકાર બની જતા લાંબો જેલવાસ ભોગવવો પડ્યો હતો અને તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ ભાજપમાં ભળી જવાના હોવાની વાતે જોર પકડ્યું હતું. જે આજે સાચું પુરવાર થયું છે.
દરમિયાન ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાને કોંગ્રેસ છોડી ભાજપમાં લાવવા હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સુપર- ડુપર ઓપરેશન હાથ ધર્યું હતું અને આજે આ ઓપરેશન સંપૂર્ણ પણે સફળ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પરસોતમભાઈ સાબરીયા ભાજપમાં ભળી જતા તેમને બોર્ડ નિગમમાં મહત્વનું સ્થાન મળે તેવી અટકળો પણ વહેતી થઈ છે.
બીજી તરફ આજે સવારે પેઢીઓથી કોંગ્રેસના રંગે રંગાયેલા માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામુ ધરી દેતા વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી ગયું છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો જીતી હતી. આ પહેલા કુંવરજી બાવળિયા અને ડો. આશા પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસની સભ્યસંખ્યા ૭૪ ઉપર આવી હતી. ત્યાર બાદ ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરતા અને જવાહરે રાજીનામું આપતા વિધાનસભામાં હવે કોંગ્રેસના ૭૩ ધારાસભ્ય જ રહ્યા છે. હાલ ઉંઝા, તલાલા અને માણાવદર બેઠક ખાલી પડી છે. હાલ વિધાનસભામાં ભાજપ-૧૦૦, કોંગ્રેસ ૭૩, એનસીપીને ૧, બિટીપી ૨ અને અપક્ષ ૩ સહિત ૧૭૯ ધારાસભ્યો રહ્યા છે અને છેલ્લે હળવદ ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ રાજીનામુ આપતા હવે ધારાસભામાં ૧૭૮ સભ્યો રહ્યા છે અને લોકસભા સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.