લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ હજુ પણ વધુ તૂટે તેવી શકયતા, અન્ય એક કોંગી ધારાસભ્ય પણ રાજીનામુ ધરી દેવાની ફિરાકમાં
જવાહર ચાવડા સાંજે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે, ભાજપ તેઓને મંત્રી પદ પણ આપશે
લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમ જેમ દિવસો નજીક આવતા જઇ રહ્યા છે તેમ તેમ કોંગ્રેસ તૂટતી રહી હોવાની સ્થિતિ નિર્માણ પામી છે. આજ રોજ કોંગ્રેસના દિગગજ નેતા ગણાતા ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જવાહર ચાવડા આજે જ કેસરીયો ખેસ ધારણ કરવાના છે. ભાજપમાં ભળેલા આ નેતાને મંત્રીપદ પણ આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
માણાવદરના દિગગજ નેતા ગણાતા ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે વિધાનસભામા જઈને અઘ્યક્ષ સમક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દીધું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી કોંગ્રેસના નેતાઓ સ્તબ્ધ થઈ જવા પામ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થવાને થોડા દિવસો પહેલા જ ઘટેલી આ ઘટનાથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે. ચાવડા આજે સાંજે કમલમ ખાતે જઈને વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે ત્યારે ભાજપ પણ નવા આવેલા આ નેતાને મંત્રીપદ આપવાનું છે.
લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે કોંગી ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામુ ધરી દેતા કોંગ્રેસ પક્ષ ચિંતામાં મુકાયો છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી બાદ પોતાના ચાર ધારાસભ્યો ગુમાવ્યા છે. આ ઘટના પરથી કોંગ્રેસ આવે છે ને બદલે કોંગ્રેસ તૂટે છે તેવું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી બાદ જસદણ બેઠકના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દઈને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. સામે ભાજપે કુવરજીભાઇ બાવળિયાને કેબિનેટ મંત્રીનું પદ પણ આપ્યું છે.
ત્યારબાદ કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પણ રાજીનામુ આપીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અધૂરામાં પૂરું તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડને કોર્ટે સજા ફટકાર્યા બાદ વિધાનસભા અધ્યક્ષે તેઓને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. આમ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં એક સાંધેને તેર તૂટે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. લોકસભા પૂર્વે પડી રહેલા ફટકાથી કોંગ્રેસ ચિંતિત બન્યું છે.
નોંધનીય છે કે, આવતા સપ્તાહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડાએ રાજીનામુ ધરી દીધું હોવાની ઘટના બની છે. રાહુલ ગાંધીના આ પ્રવાસ પૂર્વે જ કોંગ્રેસમાં ભુકંપ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. વધુમાં મળતી માહિતી મુજબ ધારાસભ્ય જવાહર ચાવડા બાદ બીજા એક અન્ય કોંગ્રેસના ધારાસભ્ય પણ રાજીનામાની ફિરાકમાં છે. આ ધારાસભ્ય પણ ટૂંક સમયમાં રાજીનામુ ધરી દઈ વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે.
વધુમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, બે દિવસ પૂર્વે સ્વર્ણીમ સંકુલમાં એક ઓફિસ તૈયાર કરવામાં આવી હતી. આ ઓફિસ ભાજપમાં જોડાનાર જવાહર ચાવડાને આપી દેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી માથે છે તેવામાં કોંગ્રેસને એક ઉપર એક ઝટકા પડી રહ્યાં છે. હજુ હમણા જ ધારાસભ્ય ભગવાનજી બારડને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા હતા. તેવામાં આજરોજ જવાહર ચાવડાએ ધારાસભ્ય તરીકે રાજીનામુ ધરી દીધું છે. આમ કોંગ્રેસ લોકસભા પૂર્વે તૂટી રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
હું કોંગ્રેસમાં જ રહીશ: અલ્પેશ ઠાકોરની હાઈ કમાન્ડ સમક્ષ સ્પષ્ટતા
ઠાકોર સમાજના કદાવર નેતા કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસના હાથનો સાથ છોડી ભાજપમાં જોડાવાના હોવાની વાતે વેગ પકડયો છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને કેબીનેટ મંત્રીના પદની ઓફર આપવામાં આવી હતી. આ માટે ભાજપે તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. આ વાતની જાણ થતા દિલ્હી ખાતેથી કોંગી હાઈ કમાન્ડે અલ્પેશ ઠાકોરને તેડુ મોકલ્યું હતું ત્યારે અલ્પેશ ઠાકોરે દિલ્હી દરબારમાં પહોંચી હાઈકોર્ટ સમક્ષ તેઓ કોંગ્રેસમાં જ રહેવાના હોવાની સ્પષ્ટતા કરીહતી. જો કે ક્ષણભર માટે કોંગ્રેસ ચિંતામાં મુકાઈ ગયું હતું. ઉપરાંત કોંગ્રેસે ઠાકોર સમાજના કદાવર નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં ન ભળે તે માટે મનામણા પણ શરૂ કરી દીધા હતા. બાદમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે જ રહેવાની સ્પષ્ટતા કરતા અંતે હાઈ કમાન્ડની ઉપાધી ઘટવા પામી હતી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કોંગ્રેસ દ્વારા હવે અલ્પેશ ઠાકોરને લોકસભાની ટીકીટની ઓફર કરવામાં આવે તો પણ નવાઈ નહીં.