સિરામિકની ૩ અને એગ્રીકલ્ચરની ૧ પેઢીમાંથી રૂ.૧૨.૧૮ લાખની કરચોરી મળી
છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલા રાજકોટ જીએસટી વિભાગ દ્વારા મોરબી અને રાજકોટ ખાતે જુદા જુદા ધંધાકીય એકમો ઉપર ગઈકાલે દરોડા પાડી કરચોરી અંગે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવેલ હતો. આ તપાસ ગઈકાલે મોડી રાત સુધી ચાલેલ હતી અને તપાસના અંતે જીએસટી તંત્રને લાખો રૂપિયાની કરચોરી સાંપડી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની રાજકોટ જીએસટી વિભાગ ડીવીઝન-૧૦ના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગઈકાલે જીએસટી તંત્રની જુદી જુદી તપાસ ટીમો મોરબીમાં ૩ સીરામીક એકમો અને રાજકોટમાં એક એગ્રીકલચર એકમ ઉપર ત્રાટકી હતી અને કરચોરી અંગે તપાસણી હાથ ધરેલ હતી. આ તપાસો પૈકી એક તપાસ આંતર રાજય ક્રોસ ચેક અનવયે અને ત્રણ તપાસો ઈવેબીલ અનુસંધાને હાથ ધરવામાં આવેલ હતી.
ગઈકાલે મોડી રાત સુધી મોરબી અને રાજકોટ ખાતે આ તપાસો ચાલી હતી. આ તપાસના અંતે રાજકોટ જીએસટી વિભાગને કુલ રૂ.૧૨.૧૮ લાખની વેરાની વસુલાત થઈ હોવાનું જીએસટી વિભાગના સુત્રોમાંથી જાણવા મળેલ છે. હજુ પણ આગામી દિવસોમાં કર ચોરી અંગે તપાસો હાથ ધરાઈ તેવા નિર્દેશો સાંપડી રહ્યાં છે.