વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ: જિલ્લામાં ૮૮૦થી વધુ બુથ સંવેદનશીલ: ૩૨ મતદાન મથકો વધારવા ચૂંટણીપંચને દરખાસ્ત
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લામાં ૮૮૦થી વધુ બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ બુથ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. સાથે ૩૨ મતદાન મથકો વધારવા માટે તંત્ર દ્વારા ચૂંટણીપંચને દરખાસ્ત કરવામાં આવી છે. ચૂંટણી વખતે જિલ્લામાં ૩૫થી વધુ પેરા મીલીટરી ફોર્સની કંપની તૈનાત રહેશે.
લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે દરેક જિલ્લા મથકે ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.રાહુલ ગુપ્તા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ જિલ્લામાં કુલ ૨૨૦૬ જેટલા મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા થવાની છે. આ સાથે ૩૨ મતદાન મથકો વધારવા માટે ચૂંટણી પંચને દરખાસ્ત પણ કરવામાં આવી છે. જો કે અગાઉ ૧૪ મતદાન મથક વધારવા દરખાસ્ત કરવામાં આવી હતી. બાદમાં વધુ ૧૮ મતદાન મથકો વધારવાની દરખાસ્ત થઈ છે.
લોકસભાની ચૂંટણી વખતે રાજકોટ જિલ્લામાં સુરક્ષાને ધ્યાને રાખી ૩૫ વધુ પેરા મીલીટરી ફોર્સની કંપની તૈનાત રાખવામાં આવનાર છે. આ કંપનીમાં ૧૧૨ જવાનો હશે. રાજકોટ જિલ્લાં ૪૦ ટકા એટલે કે, ૮૮૦થી વધુ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા-વ્યવસ્થા પર વિશેષ ભાર મુકવામાં આવશે. આ સાથે સંવેદનશીલ મતદાન મથકો પરથી વેબકાસ્ટીંગ પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ થોડા જ દિવસોમાં ચૂંટણીની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવશે. ચૂંટણી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો તૈયાર કરીને તેના પર વિશેષ ધ્યાન આપવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.