મુંબઈના ૭,૦૦૦ પ્રેક્ષકો માટે બીજા બે ખાસ મ્યુઝીકલ ફાઉન્ટેન શો ૧૨ માર્ચે યોજાશે
મુંબઈ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે નીતા અને મૂકેશ અંબાણી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શહેર અને રાષ્ટ્રને ૨૦ મિલિયન મુંબઇકર અને શહેરના મુલાકાતીઓ માટે નવું અને ગૌરવપૂર્ણ સીમાચિહ્ન ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર સમર્પિત કર્યું. ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની સામે આવેલો છે. ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર જિયો વર્લ્ડ સેન્ટરનો ભાગ છે, જ્યાંભારતની સૌથી મોટી અને શ્રેષ્ઠ ગ્લોબલ ક્ધવેન્શન સુવિધા અને સેવા સ્થાપિત કરવાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરીટીનું સંયુક્ત ધ્યેય છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી સ્ક્વેર અને જિયો વર્લ્ડ સેન્ટર ભારતના મહાન સપૂતનું વિઝન પૂરું કરે છે, જે માનતા હતા કે ભારતમાં રાષ્ટ્રનિર્માણના દરેક ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠતા મેળવવાની ક્ષમતા છે.
ભારતની સૌથી મોટા પરોપકારી સંસ્થાના વડા અને શિક્ષણ તથા બાળ કલ્યાણના ક્ષેત્રમાં અનેક મહત્વાકાંક્ષી પહેલોને આગળ વધારનારાં શ્રીમતી નીતા અંબાણીએ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ અનોખી રીતે કર્યું હતું. બાળકો ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માતા છે તે વિચારથી પ્રેરાઇને તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સહયોગ પ્રાપ્ત અનેક બિન-સરકારી સંસ્થાઓના સમાજના વંચિત વર્ગનાં લગભગ ૨૦૦૦ બાળકોને ધીરૂભાઈ અંબાણી સ્ક્વેરમાં રોમાંચક મ્યુઝિકલ ફાઉન્ટેન શોનો અનુભવ કરવા આમંત્રણ આપ્યું હતું.
“મને આશા છે કે આકર્ષક ફુવારો તમારા હૃદયમાં આનંદ અને આશાનો ફુવારો પ્રગટાવશે, એમ શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં, આપણા દેશના સૌથી મોટા અને શ્રેષ્ઠ ગ્લોબલ ક્ધવેન્શન સેન્ટરમાં સ્થાન પામતા વિશ્વસ્તરીય અને બહુહેતુક જિયો વર્લ્ડ સેન્ટરના ભાગ એવા આધુનિક અને ફયુચરીસ્ટીક સ્ક્વેરની મુલાકાતે આવનારા તમામ મુંબઈકરો માટે આ એક અનોખું નજરાણું બની રહેશે. આ વર્ષના અંત સુધીમાં જ્યારે જિયો વર્લ્ડ સેન્ટર ખુલ્લું મૂકાશે ત્યારે તે એવું સ્થળ બની રહેશે જ્યાં લોકો કલાની પ્રશંસા, વિચારોના આદાન-પ્રદાન, સંસ્કૃતિની ઉજવણી અને આપણા મહાન શહેરના વારસામાં અને ધબકારમાં ભિંજાવા માટે એકત્ર થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રીમતી નીતા અંબાણી અને મૂકેશ અંબાણીના પરિવારે તેમના પુત્ર આકાશના શ્લોકા મહેતા સાથે યોજાનારા લગ્નની ઉજવણીનો પ્રારંભ કરાવતા શહેરનાં તમામ અનાથાલયો અને વૃધ્ધાશ્રમોમાં એક સપ્તાહની અન્નસેવાનો પ્રારંભ કર્યો હતો. આ પહેલનો પ્રારંભ જિયો ગાર્ડનમાં થયો હતો, જ્યાં અંબાણી પરિવારના સભ્યો સાથે શ્લોકાના માતા-પિતા મોના અને રસેલ મહેતાએ ૨૦૦૦ બાળકોને ભાવતી વાનગીઓ સાથેનું ભોજન પીરસ્યું હતું. આ બાળકો રિલાયન્સ ફાઉન્ડેશનની એજ્યુકેશન ફોર ઓલ, સ્પોર્ટ્સ ફોર ઓલ, પ્રોજેક્ટ દ્રષ્ટિ સહિતની અનેકવિધ સામાજિક વિકાસ પહેલોના લાભાર્થી છે.
શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, શહેરનાં હજારો બાળકો અને વડિલો સાથે અમારી ખુશી વહેંચવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો અમને આનંદ છે. ધીરૂભાઈ અંબાણી સ્ક્વેરનો વિશિષ્ટ મ્યુઝીકલ ફાઉન્ટેન કાર્યક્રમ મુંબઇના ખમીરને સમર્પિત છે અને લગ્ન પછી અમે આપણાશહેરને દૈનિક ધોરણે ગૌરવ અપાવતા આપણા પોલિસો, આપણા લશ્કરી અને અર્ધ-લશ્કરી દળો, આપણા અગ્નિશામકો, આપણા બી.એમ.સી.ના કામદારો અને શહેરને ચોવીસે કલાક અને સાતેય દિવસ સુરક્ષિત રાખતા અને આગળ વધારતા અન્ય ઘણા લોકો માટે અનેક શો કરીશું. એક સપ્તાહની અન્ન સેવા બાદ શહેરનાં તમામ અનાથાલયો અને વૃધ્ધાશ્રમોને એક વર્ષ સુધી કરિયાણું આપવાનું ચાલુ રાખવામાં આવશે.