ખનીજ સંપદાનું ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓ માટે લપડાક સમાન ચુકાદો
હળવદના સુંદરગઢ ગામે બે વર્ષ પહેલાં ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર પકડાયાનો કેસ હળવદની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની દલીલ મૌખિક તથા દસ્તાવેજી પૃરવાના ધ્યાને લઈને આરોપી પિતા-પુત્રને રેતીચોરીમાં કસૂરવાર ઠેરવીને બન્નેને ૪-૪ કેસની સજા કટકારી છે.
હળવદમાં કુદરતી ખનીજ સંપદાનું ગેરકાયદે ખનનન કરી કુદરતી સંપદાને નુકશાન પહોંચાડતા ભૂમાફિયાઓ માટે હળવદ કોર્ટના દાખલા રૂપ સજાના આ ચુકાદાની મળતી વિગતો અનુસાર હળવદના મિયાંણી ગામે રહેતા ચતુરભાઈ માડણભાઈ રંભાણી અને વિક્રમભાઈ ચતુરભાઈ રંભાણી ગત તા.૩.૩.૨૦૧૭ના રોજ સુંદરગઢ ગામ પાસે મોરબી હળવદ રોડ ઉપર રેતી ભરેલું ડમ્પર લઈને નીકળ્યા હતા, પરંતુ તંત્રની તપાસમાં આ ડમ્પરમાં ભરેલી રેતી ગેરકાયદે હોવાનું ખુલતા જે તે સમયે હળવદ પોલીસે આ બન્ને પિતા પુત્ર સામે રેતીચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી .દરમિયાન પોલીસે આ કેસની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.
તેથી આજે આ રેતીચોરીનો કેસ મેં.એ.ડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ પી.ડી.જેઠવાએ સરકારી વકીલની ધારદાર દલીલો અને ૬ મૌખિક પુરાવા તથા ૧૩ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને આરોપી પિતા-પુત્રને રેતીચોરી કરવાના કેસમાં તકસીરવાન ઠેરવીને બન્ને આરોપીને ૪-૪ વર્ષની કેદની સજા તથા રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.કોર્ટના આ ચુકાદાથી ખનીજ માફિયાઓમાં ફફળાટ મચી ગયો છે.