દેશના ટોપ–૧૦૦ શહેરોમાં ગુજરાતના ૯ શહેરોનો સમાવેશ: ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા સ્વચ્છ શહેરોમાં અમદાવાદ નંબર વન
રાજકોટ અને અમદાવાદ ઉપરાંત સુરત, ગાંધીનગર, ડિસા, વડોદરા, જામનગર, વાપી અને ભાવનગરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં દબદબો
સતત ત્રીજા વર્ષે ઈન્દૌર બન્યું દેશનું નંબર વન સ્વચ્છ શહેર: ભોપાલ સૌથી સ્વચ્છ રાજધાની: છત્તીસગઢને બેસ્ટ પર્ફોમન્સ સ્ટેટનો એવોર્ડ
કેન્દ્ર સરકાર દ્વારા આજે સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે ઈન્દૌર દેશનું નંબર વન સ્વચ્છ શહેર બની રહ્યું છે. સ્વચ્છતામાં રાજકોટે જાણે હનુમાન કુદકો લગાવ્યો હોય તેમ દેશનું ૯માં નંબરનું સ્વચ્છ શહેર બન્યું છે. ટોપ-૧૦૦ સ્વચ્છ શહેરમાં ગુજરાતના ૯ શહેરોની પસંદગી કરવામાં આવી છે. સુરત, ગાંધીનગર, વડોદરાને પાછળ રાખી રાજકોટે ૯મો નંબર હાંસલ કર્યો છે.
૧૦ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ અમદાવાદ અવ્વલ નંબરે રહ્યું છે. જયારે ઓવરઓલ સ્વચ્છતામાં અમદાવાદનો ૬ઠ્ઠો ક્રમ આપવામાં આવ્યો છે. સ્વચ્છતામાં રાજકોટનો સમાવેશ ટોપ-૧૦માં થતા મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી. રાજકોટને મળેલા સ્વચ્છતા સર્વેક્ષણનો એવોર્ડ દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, ડે.મ્યુનિ.કમિશનર ચેતન ગણાત્રા, સેનીટેશન કમિટીના ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયાએ સ્વિકાર્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અંતર્ગત હાથ ધરવામાં આવેલી હરીફાઈમાં ૫૦ માર્કસ રાખવામાં આવ્યા હતા જેમાં ગાર્બેજનો નિકાલ, શૌચક્રિયા મુકત શહેર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, સિટી ફિડ બેક વગેરેના માર્કસનો સમાવેશ થતો હતો. આ હરીફાઈમાં દેશના ૪૦૪૧ શહેરોએ ભાગ લીધો હતો. જેમાં ૪૦૦૦.૧૫ માર્કસ સાથે સમગ્ર દેશમાં રાજકોટ ૯માં નંબરનું જયારે ગુજરાતમાં બીજા નંબરનું સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને ૬ઠ્ઠો ક્રમાંક આપવામાં આવ્યો છે.
રાજકોટ અને અમદાવાદ ઉપરાંત ટોપ-૧૦૦ સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ૭ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુરત ૧૪માં ક્રમે, ગાંધીનગર ૨૨માં ક્રમે, ડિસા ૭૩માં ક્રમે, વડોદરા ૭૯માં ક્રમે, જામનગર ૮૦માં ક્રમે, વાપી ૮૮માં ક્રમે અને ભાવનગરનો ૯૧મો નંબર આવ્યો છે.
આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારી, ગોધરા, ગાંધીધામ, ભરૂચ, મહેસાણા, કલોલ, ગોંડલ, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને વલસાડને પણ રેન્કિંગ આપવામાં આવ્યો છે. ઈન્દૌર સતત બીજા વર્ષે દેશનું નંબર વન સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યું છે. જયારે ભોપાલ દેશની સૌથી સ્વચ્છ રાજધાનીની કેટેગરીમાં પહેલા સ્થાન પર રહ્યું છે. છતીષગઢને બેસ્ટ પર્ફોમન્સનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૧૦ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ જયારે પાંચ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ઉજૈન સ્વચ્છતામાં અવ્વલ નંબરે રહ્યા છે. ૩ લાખથી ઓછી વસ્તી માટે એનડીએમસી દિલ્હીનો નંબર આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ-૨૦૧૬માં દેશમાં ૭માં નંબરનું સૌથી સ્વચ્છ શહેર હતું જોકે વર્ષ ૨૦૧૬માં દેશના માત્ર ૫૦ શહેરોએ જ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. ૨૦૧૭માં રાજકોટનો સ્વચ્છતામાં ૧૮મો ક્રમાંક અને ૨૦૧૮માં રાજકોટનો ૩૫ ક્રમાંક રહ્યો છે. આ વખતે દેશના સ્વચ્છ શહેરના ટોપ-૧૦માં સામેલ થવા મહાપાલિકાએ કરેલી મહેનત રંગ લાવી છે અને સ્વચ્છતામાં રાજકોટે હનુમાન કુદકો લગાવ્યો છે.
ગત વર્ષે ૩૫માં ક્રમે રહેલું રાજકોટ આ વખતે સ્વચ્છતામાં દેશનું ૯માં નંબરનું સ્વચ્છ શહેર બન્યું છે અને ગુજરાતનું બીજા નંબરનું સ્વચ્છ શહેર બન્યું છે. અત્રે ઉલ્લખનીય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અંતર્ગત દેશના ટોપ-૧૦ શહેરમાં પસંદગી પામેલા રાજકોટ અને અમદાવાદને ૩ સ્ટાર અને ઓડીએફ પ્લસ-પ્લસ સ્ટેટસ એનાયત કરવામાં આવ્યો છે. સ્વચ્છતા સંબંધિત વિવિધ માપદંડોને અનુસરી રહેલું રાજકોટ શહેર અગાઉ જ જાહેર શૌચક્રિયા મુકત થઈ ગયું છે જેની નોંધ ભારત સરકારે લીધી છે. આગામી વર્ષોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ દેશનું નંબર વન શહેર બને તેવી આશા પણ મહાપાલિકાના પદાધિકારીઓએ વ્યકત કરી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ–૨૦૧૮માં રાજકોટ ૩૫માં ક્રમે હતું!
સ્વચ્છતામાં રાજકોટ શહેરે જાણે હનુમાન કુદકો લગાવ્યો હોય તેમ ૨૦૧૮માં દેશના સ્વચ્છ શહેરોમાં ૩૫માં ક્રમે ધકેલાયેલું રાજકોટ ૨૦૧૯માં દેશનું ૯માં નંબરનું સ્વચ્છ શહેર બની ગયું છે. વર્ષ ૨૦૧૬થી કેન્દ્ર સરકાર દ્વારા શહેરો વચ્ચે સ્વચ્છતા હરીફાઈ શ‚ કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૬માં દેશના ૫૦ શહેરોએ ભાગ લીધો હતો જેમાં રાજકોટનો ૭મો ક્રમાંક આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં રાજકોટ ૧૮માં ક્રમે ધકેલાઈ ગયું હતું.
સ્વચ્છતામાં રાજકોટને દેશનું નંબર વન શહેર બનાવવા માટે મહાપાલિકાના તમામ પ્રયાસોને જાણે નિષ્ફળતા મળી રહી હોય તેમ સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૮માં રાજકોટ છેક ૩૫માં ક્રમે ધકેલાઈ ગયું હતું. જોકે આ વખતે મહાપાલિકાની મહેનત રંગ લાવી છે અને રાજકોટે પાણી દેખાડયું છે. એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં રાજકોટ દેશનું નવમાં નંબરનું સ્વચ્છ શહેર બની ગયું છે. મહાપાલિકાના શાસકો તથા અધિકારીઓએ આગામી વર્ષોમાં રાજકોટ દેશનું નંબર વન સ્વચ્છ શહેર બની રહેશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો છે.
દેશના ટોપ–૧૦ સ્વચ્છ શહેરો
શહેર
ઈન્દૌર
અંબિકાપુર
મૈસુર
ઉજૈન
ન્યુદિલ્હી
અમદાવાદ
નવી મુંબઈ
તિરૂપતિ
રાજકોટ
દેવાસ
રાજય
મધ્યપ્રદેશ
છતિસગઢ
કર્ણાટક
મધ્યપ્રદેશ
દિલ્હી
ગુજરાત
મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ
ગુજરાત
મધ્યપ્રદેશ
સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં આ શહેરો ચમકયા
* અમદાવાદ
* રાજકોટ
* સુરત
* ગાંધીનગર
* ડિસા
* વડોદરા
* જામનગર
* વાપી
* ભાવનગર
* નવસારી
* ગોધરા
* ગાંધીધામ
* ભરૂચ
* મહેસાણા
* કલોલ
* ગોંડલ
* પોરબંદર
* જુનાગઢ
* અમરેલી
* વલસાડ