ચાર મહિલા સહિત વધુ સાત દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ: ૫૮ દર્દીઓ સારવાર હેઠળ
ઉનાળો નજીક આવી રહ્યો છે છતાં વાતાવરણમાં ઠંડીનો ચમકારો દેખાતા સ્વાઈન ફલુનો પ્રકોપ પણ વધી રહ્યો છે. વહેલી સવારે રાજકોટની ૬ વર્ષની બાળકીએ સારવાર દરમિયાન દમ તોડતા નાની ઉંમરના બાળકો પણ સ્વાઈન ફલુના ભરડામાં સપડાઈ રહ્યાં છે. જયારે ચાર મહિલા સહિત વધુ સાત દર્દીઓના કેસ પોઝીટીવ નોંધાયા છે.
સ્વાઈન ફલુનો ભરડો વધી રહ્યો હોય તેમ દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા સામે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. વહેલી સવારે રાજકોટની ૬ વર્ષની બાળાએ સારવાર દરમિયાન દમ તોડયો હતો. જયારે કુકાવાવની પ્રૌઢા અને રાજકોટના આધેડે પણ સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જાન્યુઆરીથી સ્વાઈન ફલુનો પંજો વકરી રહ્યો હોય તેમ અત્યાર સુધી ૩૧૬ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જયારે મૃત્યુઆંક ૭૨ સુધી પહોંચી રહ્યો છે.
ગઈકાલે સાંજે વિસાવદરના ૪૦ વર્ષીય મહિલા, જામનગરના ૪૫ વર્ષીય આધેડ, ગીર-સોમનાથના ૩૮ વર્ષીય યુવતી, રાજકોટના ૬૨ વર્ષીય વૃધ્ધ, રાજકોટના ૪૭ વર્ષીય મહિલા, રાજકોટના જ ૫૮ વર્ષીય મહિલા અને ૪૭ વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ રાજકોટની જુદી જુદી હોસ્પિટલોમાં રાજકોટ અને આસપાસના જિલ્લાઓના કુલ ૫૮ દર્દીઓ સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યાં છે.