દાંડીકુચના દિવસે શાહીબાગના સરદાર પટેલ મેમોરીયલમાં બેઠક યોજવાની સાથે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભા અને રાહુલ–પ્રિયંકાની જન સંકલ્પ રેલીનું થયેલું આયોજન
લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે જયારે ગૃહરાજયમાં તેમને પડકારવા કોંગ્રેસ દ્વારા છ દાયકા બાદ ગુજરાતમાં વર્કિંગ કમિટીની બેઠક અને જન આક્રોશ રેલી ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનાર હતી પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થતા સુરક્ષાની દ્રષ્ટિએ કોંગ્રેસે આ કાર્યક્રમો મુલત્વી રાખ્યા હતા. આ મુલત્વી રહેલા કાર્યક્રમો હવે દાંડીકુચના દિવસે ૧૨મી માર્ચે અમદાવાદમાં યોજવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ આ તકે લોકસભાની ચુંટણી પહેલા રાહુલ અને પ્રિયંકાની વિશાળ રેલી યોજી ભાજપને પોતાની તાકાત બતાવનારી છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ૧૨મી માર્ચે શાહીબાગના સરદાર પટેલ મેમોરીયલ ખાતે યોજાનારી છે. જે બાદ સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીની સ્મૃતિમાં દાંડીકુચ નિમિતે યોજાનારી પ્રાર્થનાસભામાં કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે. જયારે બપોર બાદ અડાલજના ત્રિમંદિર ખાતેની જન આક્રોશ રેલી યોજાશે તેમ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા, લોકસભાના નેતા મલ્લિકાજુર્ન ખડગે, ગુલામનબી આમીદ તથા કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ સહિતના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો ભાગ લેવા આવનારા છે.
કોંગ્રેસ માટે ગુજરાતમાંથી લોકસભાની ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરવાનું શુભ મનાય છે. ભુતકાળમાં ૧૯૮૦માં ઈન્દીરા ગાંધીએ ૧૯૮૫માં રાજીવ ગાંધીએ અને ૨૦૦૪માં સોનિયા ગાંધીએ વલસાડથી ચુંટણીપ્રચારની શરૂઆત કરીને વિજય મેળવ્યો હતો. જેના ભાગરૂપે તાજેતરમાં વલસાડમાંથી રાહુલ ગાંધીએ જન આક્રોશ રેલી યોજીને દેશભરમાં ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.
કોંગ્રેસની સર્વોચ્ચ ગણાતી વર્કિંગ કમિટીની બેઠક ૧૯૬૧માં ભાવનગર ખાતે યોજાઈ હતી. જેના છ દાયકા બાદ અમદાવાદમાં યોજાઈ રહી છે જેનાથી કોંગ્રેસી આગેવાનો, કાર્યકરોમાં નવા જોમનો સંચાર થયો છે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવીને આ કાર્યક્રમમાં રાજયભરમાંથી આગેવાનો, કાર્યકરો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવો દાવો કર્યો હતો.